બંધ

આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી ૨૬૫ ટન જેટલા કચરાનો કરાયો નિકાલ

પ્રકાશિત તારીખ : 20/02/2025

મનપા ના વિવિધ વિસ્તારોમાં ફોગીંગ કામગીરી, પોરા નાશક દવા છંટકાવની કામગીરી, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી અને વરસાદી ચેમ્બરની સફાઈની સઘન કામગીરી હાથ ધરાઈ

આણંદ, ગુરુવાર: આણંદ મ્યુનિસિપલ કમિશનરશ્રી મિલિન્દ બાપનાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશનું આયોજનબધ્ધ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં તા.૨૬/૦૧/૨૦૨૫ થી તા.૨૮/૦૨/૨૦૨૫ સુધી સ્વચ્છતા ઝુંબેશનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

આણંદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ સ્વચ્છતા ઝુંબેશના પ્રથમ અઠવાડીયા દરમિયાન આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ, જુના બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન વિસ્તાર, વીટકોસ સીટી બસ સ્ટેન્ડ ઉપરાંત સ્કૂલ-આંગણવાડીમાં સાફ-સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સ્વચ્છતા ઝુંબેશના બીજા અઠવાડીયા દરમ્યાન શહેરમાં આવેલ મહાપુરુષોની પ્રતિમાઓ તથા મુખ્ય એન્ટ્રી પોઇન્ટની સાફ-સફાઇ કરવામાં આવી હતી. જ્યારે સ્વચ્છતા ઝુંબેશના ત્રીજા અઠવાડીયા દરમ્યાન સરકારી હોસ્પીટલ, અર્બન હેલ્થ સેન્ટર, રુપાપુરા બ્રીજની સાફ-સફાઇ કરવામાં આવી હતી.

આ સ્વચ્છતા ઝુંબેશના ચોથા અઠવાડિયા દરમિયાન આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ધાર્મિક સ્થળો જુના રસ્તા ભાથીજી મંદિરની સાફ સફાઈ, બેઠક મંદિરની સાફ સફાઇ, સિધ્ધિ વિનાયક મંદિરની સાફ સફાઇ, રામજી મંદિર – વલાસણ, આદ્યશક્તિ મંદિર, ગાયત્રી મંદિર, રાધા ક્રિષ્ના મંદિરની સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન દરરોજ નિયમિત શહેરના ગારબેજ વરનેબલ પોઇન્ટ એટલે કે કચરો ભેગો થતો હોય તેવા વિસ્તાર- પોઇન્ટની તેમજ જાહેર શૌચાલયોની સાફ-સફાઇ હાથ ધરવામાં આવે છે.

આ ઉપરાંત આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારો કરમસદ, વિદ્યાનગર, ગામડી, લાંભવેલ, જીટોડીયા, મોગરીમાં સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, આ અભિયાન અંતર્ગત કુલ ૨૬૫ ટન જેટલો કચરો એકત્ર કરી ડમ્પિંગ સાઈડ ઉપર પ્રોસેસ કરવામાં આવ્યો છે.

આણંદ મનપા ના મલેરીયા વિભાગ દ્વારા મચ્છર નિયંત્રણ કરવા માટે વિવિધ વિસ્તારોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી તથા પોરા નાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મનપા વિસ્તારની સોસાયટીઓમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ની કામગીરી અને વરસાદી ચેમ્બરની સાફ સફાઈ ની કામગીરી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિન્દ બાપનાએ મનપાના આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને શહેરને સ્વચ્છ રાખવા સૌ નગરજનોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

આ સ્વચ્છતા અભિયાનમાં નાગરિકો, સામાજિક કાર્યકરો તેમજ સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ સહભાગી બન્યા હતા.