આણંદ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગ બોરસદ થી રાસ જતા રસ્તા પર હોટ મિક્સ ડામર થી પેચવર્કની કામગીરી શરૂ કરાઈ
પ્રકાશિત તારીખ : 25/09/2025
આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે દાંડીમાર્ગ બોરીયાવી થી બોરસદ રાસ કંકાપુરા સુધીના જે રસ્તાઓને નૂકશાની થઈ હતી, તે રસ્તાઓના સમારકામની કામગીરી રાષ્ટ્રીય ધોરી માર્ગ, પેટા વિભાગ, આણંદ (દાંડી માર્ગ વિભાગ, આણંદ) દ્વારા હાથ ધરવામાં આવી છે, તેમ દાંડી માર્ગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી અભિજીત દેશમુખે જણાવ્યું છે.
તેમના જણાવ્યા પ્રમાણે બોરસદ થી રાસ જતા રસ્તા ઉપર ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રસ્તાઓનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં હોટમિક્સ ડામરથી પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. જે કામગીરી પૂર્ણ થયા બાદ બોરસદ થી બોરીયાવી સુધીનો રસ્તાની દુરસ્તી કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત આણંદ જિલ્લામાંથી પસાર થતો દાંડીમાર્ગ ઉપર જે જગ્યાઓ ઉપર ખાડા પડ્યા છે અથવા રોડ ખરાબ થયો છે તેવા તમામ જગ્યાઓ ઉપર રસ્તા દૂરસ્તી કરવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે જે હાલ પ્રગતિ હેઠળ છે અને વરસાદ બંધ રહેતા આણંદ જિલ્લામાંથી પસાર થતો દાંડી માર્ગ ઉપરથી પસાર થતા લોકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે દાંડીમાર્ગ નો રસ્તો મોટરેબલ બનાવવામાં આવી રહ્યો છે તેમ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એ વધુમાં ઉમેર્યું હતું.