આણંદ જિલ્લામાં વાહનોની લે-વેચ કરનાર બ્રોકર/એજન્ટોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે
પ્રકાશિત તારીખ : 20/03/2025
આણંદ, શુક્રવાર: આણંદ જિલ્લામાં સાયકલ, થ્રી વ્હીલર, ટુ વ્હીલર, ફોર વ્હીલર તથા વિદ્યુતથી ચાલતાં વાહનો સહિતના તમામ વાહનોની લે-વેચ કરનાર, બ્રોકર, કમિશન એજન્ટ તેમજ ભાડે આપનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજીસ્ટર નિભાવવા હુકમ કરેલ છે.
આ જાહેરનામા મુજબ આણંદ જિલ્લાના વાહનો વેચનાર, લે-વેચ કરનાર, બ્રોકરો/કમિશન એજન્ટો તેમજ ભાડે આપનાર વેપારીઓએ ગ્રાહક પાસેથી તેમજ ભાડે રાખનાર પાસેથી ઓળખના પૂરતા પૂરાવા લઈને જ ખરીદ-વેચાણ કે ભાડે આપવાનું રહેશે તેમજ આ અંગેનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આવા વેપારીઓ, બ્રોકરો કે કમિશન એજન્ટ ગ્રાહકનું વાહન લે-વેચ માટે પોતાના કબજામાં સંભાળે ત્યારે તુરંત જ નિયત નમૂના મુજબના રજીસ્ટરમાં તેની નોંધ કરી અદ્યતન સ્થિતિમાં રાખવાનું રહેશે. આ રજીસ્ટરમાં ભાડે રાખનાર/લેનાર/વેચનાર ગ્રાહકનું નામ, સરનામુ, મોબાઇલ નંબર, વાહનનો પ્રકાર, રજીસ્ટ્રેશન નંબર, એન્જીન-ચેસીસ નંબર, વાહનનો કબજો સંભાળ્યા તારીખ-સમય કે ગ્રાહકે વાહન ભાડે રાખ્યાની તારીખ-સમય, લે-વેચ અને સોદાના અંતે વેપારી-બ્રોકરે વાહનનો કબજો ગ્રાહકને સોંપ્યા તારીખ-સમય તથા આ ગ્રાહકે ભાડા પરથી વાહન પરત સોપ્યા તારીખ સમય, ભાડે રાખનાર/ લેનાર/ વેચનાર ગ્રાહકની સહી તથા વેપારી-બ્રોકર કમિશન એજન્ટની સહી દર્શાવવાની રહેશે.
આ ઉપરાંત વાહન લે-વેચ/ભાડે આપવા માટેના વેપારી/બ્રોકરોના કબજામાં રહેલ વાહનો રાખવાની પર્યાપ્ત જગ્યા રજીસ્ટરમાં દર્શાવવાની રહેશે તથા આવી જગ્યાની માલિકી/ભાડા કરારના દસ્તાવેજો ૨જીસ્ટર સાથે સામેલ રાખવાના રહેશે તેમજ આવા તમામ વાહનો નિશ્ચિત જગ્યામાં પાર્ક કરવાના રહેશે. કબજામાં રાખેલ આવા વાહનો જાહેર સરકારી માલિકીની જગ્યામાં વ્યાપારી હેતુ માટે દુરુપયોગ ક૨વામાં આવશે તો તે આ જાહેરનામાનો ભંગ ગણાશે.
આ હુકમ તા.૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે, તેમજ આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.