બંધ

આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા

પ્રકાશિત તારીખ : 19/02/2025

પરીક્ષાના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો છે તે મુજબ કાર્યવાહી કરવા ભાર મૂકતા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી

આણંદ, બુધવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૭ મી ફેબ્રુઆરી થી તા. ૧૭ માર્ચ સુધી ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજવામાં આવનાર છે.

આ બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં જ્યાં પણ બોર્ડની પરીક્ષા યોજાવાની છે, તે તમામ વર્ગખંડોમાં સીસીટીવી કાર્યરત છે તે સુનિશ્ચીત કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત શાળાના સંચાલકશ્રીને જણાવતા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કંઈપણ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવા પર વિશેષ ભાર મૂકવા જણાવ્યું હતું.

વધુમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો છે તે મુજબ પરીક્ષા સમિતિના અધિકારીશ્રીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા જણાવ્યું હતું.

બેઠક પૂર્વે શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર તથા રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા બોર્ડ પરીક્ષાની પૂર્વ આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ થકી માર્ગદર્શન સૂચનો આપ્યા હતા.જેનું જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લા પરીક્ષા સમિતિના અધિકારીને મંત્રીશ્રીના સૂચનોના પાલન કરવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૩૧,૨૯૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨,૬૦૯ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪,૧૫૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. એસએસસી પરીક્ષામાં ૪૦ પરીક્ષા કેન્દ્રો, ૧૦૬ બિલ્ડિંગો અને ૧૧૨૦ બ્લોક તથા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૨૦ પરીક્ષા કેન્દ્રો, ૩૮ બિલ્ડીંગો અને ૪૧૭ બ્લોક તથા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૦૫ પરીક્ષા કેન્દ્રો,૨૦ બિલ્ડીંગ અને ૨૧૩ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે.