બંધ

આણંદ જિલ્લામાં ગણેશોત્સવ પર્વે ૯ ફૂટથી વધારે ઊંચાઈની મૂર્તિ બનાવવા કે વેચવા પર પ્રતિબંધ

પ્રકાશિત તારીખ : 30/07/2025

તા.૫ સપ્ટેમ્બર સુધી પ્લાસ્ટર ઓફ પેરિસ તથા કેમિકલયુક્ત રંગોથી બનતી મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું.

આણંદ,મંગળવાર:  જિલ્લામાં ગણેશ મહોત્સવના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. ગણેશ મહોત્સવની ઉજવણી માટે તૈયાર કરવામાં આવતી ગણેશ પ્રતિમા સ્થાપના બાદ પ્રચલીત રીત-રીવાજ મુજબ નદી, તળાવમાં વિસર્જન કરવામાં આવે છે. આવી રીતે વિસર્જીત કરી દેવા માટેની હંગામી સ્થાપન કરેલ મુર્તીઓ સામાન્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરીસમાંથી બનાવવામાં આવતી હોય છે. જેમાં કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ થાય છે. જેથી આવી મૂર્તિઓને પાણીમાં વિસર્જિત કરવાથી પાણી જન્ય જીવો નાશ પામી શકે છે. તેમજ કેમિકલયુક્ત પાણી પર્યાવરણને નુકશાન પહોંચાડી શકે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ (પી.ઓ.પી.) તથા કેમિકલયુક્ત રંગોથી બનતી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરતાં ઉદભવતી પર્યાવરણીય સમસ્યાઓને મૂર્તિના ઉત્પાદનની પ્રક્રિયાના તબકકેથી જ અટકાવવા જરૂરી છે. જેથી આવી પી.ઓ.પી.થી બનતી મૂર્તીઓ તથા ઉપયોગ અટકાવવા સારૂ તા.૦૫/૦૯/૨૦૨૫ સુધીનું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે.

જે અન્વયે મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો, ધાર્મિક રીતે પ્રણાલિકાગત ચીકણી માટીનો ઉપયોગ કરવો. ભઠ્ઠીમાં શેકેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પેરીસ (પી.ઓ.પી.) નો ઉપયોગ કરવો નહી.મૂર્તિઓની બનાવટમાં મૂર્તિઓ પાણીમાં સહેલાઈથી  ઓગળી શકે તેવા બિન ઝેરી કુદરતી રંગનો જ ઉપયોગ કરવો. ઝેરી કે ઉતરતી કક્ષાના રસાયણ કે કેમિકલ યુક્ત રંગોથી મૂર્તિને કલર કરવો નહી. મૂર્તિઓની બનાવટમાં ધાસ, લાકડા, બાંબુને બાધ નડશે નહિ. મૂર્તિઓની ઉચાઈ બેઠક સહિત ૯ ફુટ કરતાં વધારે હોવી જોઈએ નહી.મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે છે, તે જગ્યાની આજુબાજુમાં ગંદકી કરવી નહી.મૂર્તિકારો મૂર્તિઓનું વેચાણ થયા બાદ વધેલી ખંડીત મૂર્તિઓને બિનવારસી હાલતમાં છોડીને જશે નહી.મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈ ચિન્હો કે નિશાનીઓ વાળી મૂર્તિઓ બનાવવા ખરીદવા તથા વેચાણ કરી શકાશે નહિ.આણંદ જિલ્લા બહારથી આ પ્રકારની બનાવટ વાળી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારી / વેપારીઓને પણ આ પ્રતિબંધો લાગુ પડશે.

આ હુકમનો ભંગ કરનારને કાયદાની જોગવાઈને આધિન સજાને પાત્ર બનશે.