બંધ

આણંદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે પક્ષીઓની સુરક્ષા માટે ‘કરુણા અભિયાન’નો પ્રારંભ

પ્રકાશિત તારીખ : 09/01/2026

નાયબ પશુપાલન નિયામકની જાહેર જનતાને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ

આણંદ, શુક્રવાર: આગામી ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનાર  મકરસંક્રાંતિ/ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ દરમિયાન ઘાયલ પક્ષીઓની ત્વરિત સારવાર માટેની પૂર્વતૈયારીના ભાગરૂપે આણંદ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકશ્રીના અધ્યક્ષપદ હેઠળ બેઠક યોજાઈ હતી.    

આ બેઠકમાં જિલ્લાની તમામ પશુ સારવાર સંસ્થાઓને ‘કરુણા અભિયાન’ અંતર્ગત જરૂરી દવાઓ અને સાધનો સાથે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, માનવ જીવન અને અબોલ પશુ-પક્ષીઓ માટે જોખમી એવી પ્લાસ્ટિક (ચાઈનીઝ) કે વધુ કાચ પિવડાવેલી દોરીનો ઉપયોગ ન કરવો, કારણ કે સરકાર દ્વારા તેના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પક્ષીઓની વધુ અવર-જવરના સમયગાળા એટલે કે સવારે ૮-૦૦ કલાક પહેલા અને સાંજે ૫-૦૦ કલાક પછી પતંગ ન ચગાવવા જેથી પક્ષીઓને ઇજાથી બચાવી શકાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. વધુમાં, ઉત્તરાયણના દિવસે ગાય-ભેંસ જેવા પશુઓને અતિશય માત્રામાં રાંધેલું અનાજ જેમ કે શીરો કે રોટલા ખવડાવવાથી તેમને ‘એસીડોસીસ’ (હોજરીનો અપચો) જેવી જીવલેણ બીમારી થઈ શકે છે, તેથી આવો ખોરાક મર્યાદિત માત્રામાં આપવા અનુરોધ છે.

જો કોઈ નાગરિકને ઘાયલ પક્ષી કે બીમાર પશુ જોવા મળે, તો તાત્કાલિક નજીકની પશુ હોસ્પિટલનો સંપર્ક કરવો અથવા હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર જાણ કરવી. ‘જીવ રક્ષા અને જીવ સેવા એ જ સર્વોત્તમ પુણ્ય’ની ભાવના સાથે દરેક નાગરિક જવાબદારીપૂર્વક તહેવાર ઉજવે તેવી અપીલ નાયબ પશુપાલન નિયામક દ્વારા એક યાદીમાં કરવામાં આવી છે.