બંધ

આજે તા. ૦૬ ઓગસ્ટ ના રોજ પેટલાદ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાશે

પ્રકાશિત તારીખ : 06/08/2025

સંસ્કૃત સપ્તાહની ઉજવણી  દ્વારા યુવા પેઢીમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ જગાવવાનો પ્રયાસ

તા. ૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન ત્રિ દિવસીય સંસ્કૃત ઉત્સવ ઉજવાશે

આણંદ, મંગળવાર: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યની સાથે સાથે આણંદ જિલ્લામાં તા.૦૬ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર સંસ્કૃત ગૌરવ યાત્રા અને અન્ય કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત આજે તારીખ ૦૬ ઓગસ્ટ, બુધવારના રોજ સવારે ૯-૦૦ કલાકે ન્યુ એજ્યુકેશન હાઇસ્કુલ, પેટલાદ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાશે.

આ સંસ્કૃત ગૌરવયાત્રાની ત્રિ દિવસીય ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લામાં પ્રાથમિક સ્તર, માધ્યમિક સ્તર, ઉચ્ચ શિક્ષણ અને પાઠશાળા સ્તરનો શૈક્ષણિક સ્તર અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શૈક્ષણિક સ્તર, મુક્ત સ્તર, સંસ્થાકીય સ્તર અને વિશેષ સ્તર આમ ચાર સ્તરોમાં આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે સંસ્કૃત ગૌરવ યાત્રા, બીજા દિવસે સંસ્કૃત સંભાષણ દિન અને ત્રીજા દિવસે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરાશે.

આ ઉત્સવનો હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધારવાનો છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ કાર્યક્રમોમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સહિત આણંદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.