અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2025નું જીવંત પ્રસારણ વલ્લભ વિદ્યાનગર સ્થિત કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ નિહાળ્યું
પ્રકાશિત તારીખ : 30/07/2025
આજે 29 જુલાઈ, 2025ના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) 2020ની 5મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આયોજિત અખિલ ભારતીય શિક્ષા સમાગમ (એબીએસએસ) 2025નું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય હિતધારકો આ ટેલિકાસ્ટના સાક્ષી બન્યા હતા.
પ્રાચાર્ય શ્રી રાજેશ ત્રિવેદીએ જણાવ્યું કે, આ એક દિવસીય વિચાર-મંથન સત્રનું ઉદઘાટન કેન્દ્રના શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું હતું.
આ એબીએસએસ 2025એ શિક્ષણવિદો, નીતિ ઘડવૈયાઓ, શિક્ષકો, ઉદ્યોગ નિષ્ણાતો અને સરકારી પ્રતિનિધિઓ માટે એક સહિયારું મંચ પૂરું પાડ્યું હતું, જ્યાં એનઈપી 2020 હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા અને શિક્ષણની ભાવિ દિશા નક્કી કરવામાં આવી હતી .ચર્ચાનું મુખ્ય ધ્યેય શિક્ષણને વધુ સુલભ, વ્યવહારુ, કૌશલ્ય-કેન્દ્રિત અને રોજગારલક્ષી બનાવવાનું હતું, જેથી વિદ્યાર્થીઓ વૈશ્વિક અર્થતંત્ર માટે તૈયાર થઈ શકે.
લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહીને આ પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક આયોજનથી લાભાન્વિત બન્યા હતા.
સમગ્ર વિદ્યાલય પરિવારે આ લાઇવ ટેલિકાસ્ટમાં પૂર્ણ ઉત્સાહ અને ગંભીરતાથી ભાગ લીધો હતો.
આ આયોજન વિદ્યાર્થીઓ માટે અત્યંત પ્રેરણાદાયી અને અનુકરણીય રહ્યું હતું.