MGVCL દ્વારા પેટલાદના ગ્રામીણ વિસ્તારોમાં લોકનાટ્યના માધ્યમથી વીજ સુરક્ષા અને જનજાગૃતિનો પ્રસાર
પ્રકાશિત તારીખ : 21/09/2026
શેરી નાટકો દ્વારા વીજ સલામતી, સ્માર્ટ મીટર અને પીએમ સૂર્ય ઘર યોજના અંગે ગ્રાહકોને માહિતગાર કરાયા
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડનું અભિનવ જનજાગૃતિ અભિયાન: ધર્મજ અને પંડોળી સહિતના ગામોમાં કલાકારોએ વીજ બચતનો સંદેશ ગુંજતો કર્યો
આણંદ, શનિવાર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL), આણંદ વર્તુળ દ્વારા ગ્રામીણ વિસ્તારોના વીજ ગ્રાહકોને સુરક્ષા અને અદ્યતન સુવિધાઓથી માહિતગાર કરવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
પેટલાદ વિભાગીય કચેરીના માર્ગદર્શન હેઠળ વિવિધ સબ-ડિવિઝન હેઠળ આવતા ગામડાઓમાં લોકનાટ્ય અને શેરી નાટકના માધ્યમથી વીજ સુરક્ષા, ઉર્જા ક્ષેત્રે આવી રહેલા આધુનિક પરિવર્તનો અને સરકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી સરળ અને મનોરંજક રીતે પહોંચાડવા જનજાગૃતિનો પ્રભાવી પ્રસાર કરવામાં આવ્યો હતો.
પેટલાદ ડિવિઝન હેઠળના ધર્મજ, પંડોળી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રદર્શિત થયેલા આ નાટકોએ સ્થાનિકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.
આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કલાકારો દ્વારા દૈનિક જીવનમાં વીજળીના સુરક્ષિત ઉપયોગ અંગે જીવંત અભિનય રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ચોમાસા દરમિયાન વીજ ઉપકરણોના વપરાશમાં રાખવી પડતી સાવચેતી, શોર્ટ સર્કિટના નિવારણ અને અણધાર્યા અકસ્માતોથી બચવા માટેના સુરક્ષાત્મક પગલાંઓ વિશે ગ્રામજનોને ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. વીજળીના જોખમો પ્રત્યે સજાગ રહીને કેવી રીતે જાન-માલનું રક્ષણ કરી શકાય તે બાબત આ નાટકો દ્વારા અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવી હતી.
વર્તમાન સમયમાં વીજ ક્ષેત્રે થઈ રહેલા તકનીકી ફેરફારોને ધ્યાને રાખીને, કાર્યક્રમમાં ‘સ્માર્ટ મીટર’ની ઉપયોગિતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્માર્ટ મીટર દ્વારા મળતી પારદર્શિતા, સચોટ રીડિંગ અને ગ્રાહકો દ્વારા પોતે કરી શકાતા રીઅલ-ટાઇમ વીજ વપરાશના નિરીક્ષણના ફાયદાઓ વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના’ અંગે પણ ગ્રામજનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવીને વીજ બિલમાં કેવી રીતે મોટી બચત કરી શકાય અને સરકારી સબસિડીનો મહત્તમ લાભ મેળવી પર્યાવરણના જતનમાં કેવી રીતે સહભાગી થઈ શકાય, તે અંગે કલાકારોએ ગ્રામીણ જનતાને માર્ગદર્શન આપ્યું હતું.
MGVCL ના અધિકારીઓ અને કર્મચારીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમોમાં વીજ સલામતી અને જાગૃતિ ફેલાવતી પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વીજ સંબંધિત કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ કે સેવામાં ખામી જણાય તો કંપનીના કંટ્રોલ રૂમ અને સત્તાવાર હેલ્પલાઇન નંબરનો ત્વરિત સંપર્ક કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. લોકભોગ્ય શૈલીમાં રજૂ થયેલા આ અભિયાનને કારણે ગ્રામીણ ગ્રાહકોમાં વીજ સુરક્ષા અને નવી યોજનાઓ પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાયો છે.
આ સમયે ધર્મજ અને પંડોળી સહિતના વિસ્તારોના વડીલો, યુવાનો અને મહિલાઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

MGVCL દ્વારા પેટલાદના ગ્રામીણ વિસ્તારોમાં લોકનાટ્યના માધ્યમથી વીજ સુરક્ષા અને જનજાગૃતિનો પ્રસાર

MGVCL દ્વારા પેટલાદના ગ્રામીણ વિસ્તારોમાં લોકનાટ્યના માધ્યમથી વીજ સુરક્ષા અને જનજાગૃતિનો પ્રસાર