બંધ

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026

પ્રકાશિત તારીખ : 24/03/2026

આચારસંહિતા ભંગની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950, 1800-426-2560 ઉપર અને C-vigil એપ દ્વારા ઓનલાઈન કરી શકાય

કલેકટર કચેરી ખાતે 24×7 કંટ્રોલરૂમ કાર્યરત

આણંદ જિલ્લાની જનતાને C-vigil એપ ઉપર ચૂંટણી લક્ષી, ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગે, આદર્શ આચાર સંહિતા લક્ષી, ચૂંટણી ખર્ચ લક્ષી ફરિયાદ ધ્યાનમાં આવે તો જાણ કરવા અનુરોધ

આણંદ, સોમવાર  111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત થયા બાદ આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ને ગુરૂવારના રોજ મતદાન થનાર છે, ત્યારે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી જાહેર થયા તા.15-03-2026 ના રોજથી આદર્શ આચાર સંહિતા અમલી બની છે, ત્યારે કોઈપણ નાગરિકો એ/મતદારો એ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવી હોય તો જાગૃત નગરજનો હવે C-vigil એપ દ્વારા ફરિયાદ ઓનલાઈન કરી શકે છે. આ ઉપરાંત આચારસંહિતા ભંગની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1950, 1800-426-2560 ઉપર પણ કરી શકાય છે.

કલેકટર કચેરી ખાતે એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલમાં કાર્યરત C-vigil એપનું મોનિટરિંગ સતત 24×7 ટીમ દ્વારા રાખવામાં આવી રહ્યું છે.

આ C-vigil  એપ ની વાત કરીએ તો ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ એપ play store માંથી પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાની હોય છે. ત્યારબાદ કોઈપણ નાગરિક ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થતો હોય તેનો લાઈવ ફોટો પાડીને તે સીધા એપ દ્વારા મોકલી શકે છે. આ ઉપરાંત આ એપ દ્વારા અરજદાર ઓડિયો અથવા વિડિયો રેકોર્ડિંગ પણ મોકલી શકે છે. અરજદાર દ્વારા મોકલવામાં આવેલ આ ફરિયાદ તરત જ જિલ્લા કક્ષાના સેલમાં ફરજ પરના કર્મચારીને દેખાય છે. જેથી ફરજ પરના કર્મચારી તાત્કાલિક આ ફરિયાદ વિધાનસભા મતવિસ્તારમાં કાર્યરત એફ. એસ. ટી. ની ટીમને મોકલી આપવામાં આવે છે. એફ. એસ. ટી. ની ટીમ આ લાઈવ લોકેશનના આધારે તાત્કાલિક ત્યાં પહોંચે છે અને આચારસંહિતા ભંગનો મોકલેલ ફોટોગ્રાફ્સ અંગે જરૂરી તપાસ કરી તેનો નિકાલ કરી વિધાનસભા મત વિસ્તારના અધિકારીને મોકલે છે અને તે વિધાનસભા મત વિસ્તારના અધિકારી આ ફરિયાદનો ઓનલાઈન નિકાલ કરે છે.

આ એપ દ્વારા લાઈવ લોકેશન હોય તે જ મોકલી શકાય છે મતલબ કે તમારા પાસે રહેલ જૂના કોઈ ફોટા મોકલી શકાતા નથી પરંતુ ખરેખર આચારસંહિતા ભંગ થતો હોય તે મોકલી શકાય છે.

 

હાલમાં 111 – ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને લઈને સમગ્ર વિધાનસભા મત વિસ્તારમાં 03 એફ એસ ટી ની ટીમ 24 કલાક રાઉન્ડ ક્લોક કામ કરી રહી છે. આ એપ ઉપર મળેલ ફરિયાદને કઈ ટીમ આ સમયે કાર્યરત છે તેમના મોબાઈલ ઉપર મોકલવામાં આવે છે અને તે ટીમને ફોન કરીને પણ જાણકારી આપવામાં આવે છે.

આમ, એફ એસ ટી ની ટીમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત હોય આ એપ ઉપર મળેલ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે છે અને અરજદારને તેના દ્વારા કરવામાં આવેલ ફરિયાદનો સંતોષ પણ મળે છે.

આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના ગુરુવાર ના રોજ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન હોય જાહેર જનતાને આદર્શ આચારસંહિતા ભંગ અંગે કોઈ પણ ફરિયાદ હોય તો આ C-vigil  એપ ઉપર ફરીયાદ કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે.

આણંદ જિલ્લાની જનતાને આ C-vigil એપ ઉપર કોઈપણ જાતની  ચૂંટણી લક્ષી, ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગે, આદર્શ આચાર સંહિતા લક્ષી, ચૂંટણી ખર્ચ લક્ષી ફરિયાદ ધ્યાનમાં આવે તો જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.