સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન
પ્રકાશિત તારીખ : 22/09/2025
“બ્રેસ્ટ કેન્સરથી બચાવ માટે પહેલું પગલું: માહિતી અને નિદાન”
“બ્રેસ્ટ કેન્સર જાણો, સમજો અને સમયસર પગલાં ભરો”
“આજની તપાસ, આવતીકાલની સુરક્ષા – બ્રેસ્ટ કેન્સર સામે જાગૃતિ અનિવાર્ય”
આણંદ, સોમવાર: મહિલાનું આરોગ્ય એ માત્ર એક વ્યક્તિનું નહીં, આખા પરિવારના ઉજળા ભવિષ્યનું આધારસ્તંભ છે. “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” એ સંદેશ છે કે જ્યારે નારી તંદુરસ્ત હોય છે ત્યારે ઘરના દરેક સભ્યમાં ઉજાસ ફેલાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ સંકલ્પ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં મહિલાઓના આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો મહત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારણ કે જ્યારે નારી શક્તિશાળી બને છે, ત્યારે જ સમાજ સશક્ત બને છે.
આજના આધુનિક જીવનશૈલીમાં મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર (સ્તન કૅન્સર) એક ગંભીર આરોગ્ય સમસ્યા બની રહી છે. વિશ્વભરમાં અને ભારતમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને મહિલાઓમાં આ બાબતે સમયસર ચકાસણી અને જાગૃતિ ખૂબ જ જરૂરી છે.
જાણીએ…બ્રેસ્ટ કેન્સરના મુખ્ય કારણો
- બ્રેસ્ટ કેન્સરના ઘણા મુખ્ય કારણો હોય છે, જેમ કે વારસાગત (જિનેટિક) કારણો, જેમાં પરિવારની મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થયું હોય તો જોખમ વધુ રહે છે.
- આજકાલની અનિયમિત જીવનશૈલી પણ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે, જંક ફૂડ, વધુ તેલિયું અને મસાલેદાર ખોરાકનું સેવન, ધુમ્રપાન અને દારૂ પીવાની આદત.
- મોડા લગ્ન અને મોડું માતૃત્વ પણ મેજર રિસ્ક ફેક્ટર ગણાય છે.
- શારીરિક પરિશ્રમના અભાવે શરીરમાં ચરબી વધારે થાય છે, જેનાથી બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધી શકે છે.
- હોર્મોનલ દવાઓ અથવા ગર્ભનિરોધક ગોળીઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરવો અને બાળકને સ્તનપાન ન કરાવવું પણ બ્રેસ્ટ કેન્સરના જોખમને વધારી શકે છે.
કઈ ઉંમરે બ્રેસ્ટ કેન્સરની રહે છે વધુ સંભાવના?
બ્રેસ્ટ કેન્સર અંગે ચર્ચા કરતાં વિશેષ રૂપે નોંધવું જરૂરી છે કે ૪૦ વર્ષની ઉંમર પછી મહિલાઓમાં આ રોગ થવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે. જોકે, આજના સમયમાં જીવનશૈલીમાં થયેલા ફેરફારોના કારણે ૩૦ થી ૩૫ વર્ષની ઉમંરે પણ બ્રેસ્ટ કેન્સરના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. માટે દરેક મહિલાએ પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત રહીને નિયમિત રીતે તબીબી ચકાસણી કરાવવી ખૂબ જ આવશ્યક છે, જેથી રોગની સમયસર ઓળખ થઇ શકે અને યોગ્ય સારવાર મળી શકે.
મહિલાઓ જાતે કઈ રીતે ધ્યાન રાખી શકે?
- મહિલાઓએ પોતાનું આરોગ્ય જાળવવા માટે કેટલીક સરળ પરંતુ મહત્વપૂર્ણ આદતો અપનાવવી જોઈએ…
- દર મહિને માસિક ધર્મ પૂર્ણ થયા બાદ “બ્રેસ્ટ સેલ્ફ-એગ્ઝામિનેશન” કરી સ્તન આરોગ્યનું અવલોકન કરવું જરૂરી છે.
- જો સ્તનમાં કોઈ ગાંઠ, સોજો, રંગમાં ફેરફાર, ચામડીમાં કરચલીઓ, કે દૂધ અથવા લોહીની કોઈ અસામાન્ય પ્રવૃત્તિ જણાય, તો તરત તબીબી સલાહ લેવી જોઈએ.
- ૪૦ વર્ષ પછી દર ૧ થી ૨ વર્ષે મેમોગ્રાફી કે અલ્ટ્રાસાઉન્ડ ચકાસણી કરાવવી આરોગ્ય માટે લાભદાયી સાબિત થાય છે.
- વધુમાં સંતુલિત આહાર જેમ કે વધુ શાકભાજી, ફળો, દૂધ, દાળ અને અનાજનું નિયમિત સેવન કરવું તથા નિયમિત કસરત અને યોગ કરવાથી સંપૂર્ણ રીતે આરોગ્ય સુદ્રઢ રહે છે.
- સૌથી મહત્વની બાબત છે કે ધુમ્રપાન અને દારૂ જેવી હાનિકારક આદતોથી દૂર રહેવું.
જો બ્રેસ્ટ કેન્સર થાય તો શું પગલાં લેવા જોઈએ?
- બ્રેસ્ટ કેન્સર પ્રથમ તબક્કે શોધવામાં આવે તો તેની સંપૂર્ણ સારવાર શક્ય છે. જેથી તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરીને જરૂરી ચકાસણી જેમ કે મેમોગ્રાફી અને બાયોપ્સી કરાવવી ખૂબ જ જરૂરી છે.
- ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન થેરાપી અથવા ટાર્ગેટેડ થેરાપી જેવી યોગ્ય સારવાર કરાવવી જોઈએ.
- આ સાથે સારવાર દરમિયાન માનસિક હિંમત જાળવવી અને પરિવાર તરફથી પૂરતો સહકાર મેળવવો પણ જરૂરી છે.
- વધુમાં, પોષણયુક્ત અને સંતુલિત આહારનું પાલન કરવાથી દર્દીની શક્તિમાં વધારો થાય છે અને સારવાર સારી રીતે પૂર્ણ થાય છે.
બ્રેસ્ટ કેન્સર એ કોઈ દ્રશ્ય કે અવરોધ નથી, પરંતુ એક એવો રોગ છે જેને સમજદારી અને હિંમત સાથે સામનો કરી શકાય છે. “સમયસર નિયમિત ચકાસણી અને યોગ્ય સારવાર દ્વારા હજારો મહિલાઓ સ્વસ્થ અને સારું જીવન જીવી રહી છે.” તેથી, નિર્ભય બનીને પોતાના આરોગ્યની જાતે જ સુરક્ષા કરવી અને અન્ય મહિલાઓને પણ જાગૃત બનાવવી અત્યંત મહત્વપૂર્ણ છે. બ્રેસ્ટ કેન્સર સામે સંયમ અને જાગૃતિ એ જ સાબિત થઈ શકે છે સૌથી શક્તિશાળી હથિયાર.