સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન
પ્રકાશિત તારીખ : 19/09/2025
આણંદ શહેરમાં સ્વચ્છતા રેલી યોજાઈ
નગરને સ્વચ્છ રાખવામાં નગરજનોનો સહયોગ ખૂબ જ જરૂરી – ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ
આણંદ, ગુરુવાર: રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા હી સેવા – 2025” અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સ્વચ્છતા પખવાડિયા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરી વિસ્તારમાં સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. રેલ્વે ગોદી પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આણંદના ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ, મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલ અને મહાનુભાવો એ સુતરની આંટી પહેરાવી નમન કરી સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે મહાનગરને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, તેમાં નગરજનોનો સહયોગ ખૂબ જ જરૂરી છે તેમ જણાવી નગરજનો શહેરને સુંદર બનાવવા માટે જાહેર રસ્તાઓ ઉપર કચરો ન નાખતા ડોર ટુ ડોર વાહનમાં ઉઘરાવવામાં આવતો કચરો તે વાહનમાં જ નાખે આ ઉપરાંત સોસાયટીઓ ખાતે મૂકવામાં આવેલ ડસ્ટબીન ખાતે પણ દુકાનદારો શહેરીજનો કચરો નાખે તો મહાનગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવી શકાય તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સ્વચ્છતા રેલી આણંદ રેલવે સ્ટેશન પાસે ગાંધીજીની પ્રતિમા, રેલવે ગોદી થી નીકળીને શહેરના ડી એન. હાઇસ્કુલ રોડ ઉપર થઈને કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ સુધી પહોંચી હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્લે કાર્ડ હાથમાં રાખીને નગરને સ્વચ્છ રાખો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છ શેરી આરોગ્યની દેવી, સ્વચ્છતા કાર્યક્રમમાં સહભાગી બનો જેવા સૂત્રો પોકારતા હતા.
આ સ્વચ્છતા રેલી માં મનપાના અધિકારી શ્રી વિભાકર રાવ, અગ્રણી શ્રી સુનિલભાઈ શાહ, રાજુભાઈ પઢીયાર, મનપાના કર્મચારીઓ, સફાઈ કર્મીઓ સહિત વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન

સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન

સ્વચ્છતા હી સેવા પખવાડિયા અભિયાન
