સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન
પ્રકાશિત તારીખ : 08/07/2026
બોચાસણ સ્થિત પૂ. રવિશંકર મહારાજના પાવન ધામ ખાતે પ્રવાસી સુવિધાઓ માટે હેરીટેજ પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫ કરોડની માતબર રકમ ફાળવાઈ
આણંદ, મંગળવાર : ગુજરાતના મટીરિયાલિસ્ટિક યુગમાં આધ્યાત્મિક અને સામાજિક ચેતના જગાવનારા ‘મુક સેવક’ પૂજ્ય રવિશંકર મહારાજનું જીવન અને તેમનો સંદેશ આજે પણ કરોડો લોકો માટે પ્રેરણારૂપ છે. આણંદ જિલ્લાના બોચાસણ ખાતે આવેલ પૂજ્ય રવિશંકર મહારાજ સમાધિસ્થાનને એક અદ્યતન અને ભવ્ય પ્રવાસી ધામ તરીકે વિકસાવવા માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂપિયા પાંચ કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં આ રકમ મંજૂર કરવામાં આવી છે.
બોચાસણ સ્થિત પૂજ્ય રવિશંકર મહારાજનું સમાધિસ્થાન માત્ર એક સ્મારક નથી, પરંતુ ગુજરાતના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહામાનવની સ્મૃતિઓનું જીવંત કેન્દ્ર છે. રવિશંકર મહારાજે પોતાનું સમગ્ર જીવન ગરીબો, વંચિતો અને સમાજના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું હતું. આ પાવન ભૂમિ પર હજારો શ્રદ્ધાળુઓ, સંશોધકો અને મુલાકાતીઓ તેમના આદર્શોમાંથી પ્રેરણા મેળવવા માટે આવે છે.
આ સમાધિસ્થાનમાં પ્રવાસીઓની સુવિધાના વિકાસ માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલી રૂ. ૫ કરોડની ગ્રાન્ટનો ઉપયોગ સમાધિસ્થાન ખાતે આવતા પ્રવાસીઓની સુવિધાઓ અને આંતરમાળખાકીય સુધારણા માટે વૈજ્ઞાનિક અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ મુલાકાતીઓ માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, અદ્યતન શૌચાલયો, વિશ્રામગૃહ અને પ્રવાસીઓને આકર્ષે તેવા સુંદર લેન્ડસ્કેપ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત મહારાજના જીવન ચરિત્રને ઉજાગર કરતી પ્રદર્શની અથવા ડિજિટલ ગેલેરી તેમજ હેરિટેજ સંરક્ષણ પદ્ધતિથી સમગ્ર સ્મારકનું નવીનીકરણ કરવામાં આવશે. આ તમામ વિકાસ કામો આગામી ૧ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
બોચાસણ ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવવાથી સ્થાનિક પ્રજાજીવન પર ખૂબ જ મોટી અને સકારાત્મક અસરો જોવા મળશે. આ સ્થાને પ્રવાસીઓની સંખ્યા વધવાના કારણે સ્થાનિક કક્ષાએ રોજગારીની નવી તકો ઉભી થશે. નાના વેપારીઓ, હસ્તકલાના કારીગરો, ટ્રાન્સપોર્ટ ઓપરેટરો અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સીધો આર્થિક લાભ મળશે. આ ઉપરાંત, પ્રવાસીઓની અવરજવર વધવાથી બોચાસણ અને તેની આસપાસના ગામોમાં રોડ-રસ્તા, ટ્રાન્સપોર્ટ અને કનેક્ટિવિટી જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પણ વધુ મજબૂત બનશે, જે સ્થાનિક નાગરિકોના જીવનધોરણને ઊંચું લાવશે.
આજની નવી પેઢી ડિજિટલ યુગમાં પોતાના ભવ્ય ભૂતકાળ અને રાષ્ટ્રીય નાયકોના ત્યાગથી અજાણ ન રહે તે માટે આ સ્મારકનો વિકાસ ખૂબ અનિવાર્ય છે. સામાજિક દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે એક પાઠશાળા સાબિત થશે. શાળા-કોલેજના શૈક્ષણિક પ્રવાસો માટે આ એક ઉત્તમ સ્થાન બનશે.
નવી પેઢી પૂજ્ય રવિશંકર મહારાજના નિઃસ્વાર્થ સેવા, સાદગી અને માનવતાના મૂલ્યો શીખી શકે સાથો-સાથ સમાજમાં નૈતિકતા અને રાષ્ટ્રભાવના દૃઢ બને તેવા આશય સાથે રાજય સરકાર દ્વારા પૂજ્ય રવિશંકર મહારાજના સમાધિસ્થાન બોચાસણ ખાતે પ્રવાસી સુવિધાઓના વિકાસ માટે રૂપિયા ૫ કરોડની ફાળવણીનો લેવાયેલો આ નિર્ણય ગુજરાતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરને સમૃદ્ધ બનાવવાની દિશામાં એક પ્રશંસનીય કદમ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આ નિર્ણયના પરિણામે ચરોતર પંથકની ગૌરવગાથામાં એક નવું સુવર્ણ પૃષ્ઠ ઉમેરશે અને આ પાવન ધામ આવનારા દિવસોમાં પ્રવાસન નકશા પર વધુ તેજોમય બનીને ઉભરશે તેમાં કોઈ શંકા નથી.