‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ – રાષ્ટ્રીય પદયાત્રાની વ્યવસ્થાની શિલ્પી બનશે બે વિશેષ ટુકડીઓ
પ્રકાશિત તારીખ : 01/12/2025
રાષ્ટ્રીય પદયાત્રાની આગળ ચાલનારી ‘અરૂણ ટુકડી’ વ્યવસ્થાપન અને પર્યવેક્ષણની અગ્રદૂત
‘કૃષ્ણ ટુકડી’ પદયાત્રાની પાછળ રહેશે, જે સ્વચ્છતાના આગ્રહની સંવાહક તરીકેની ભૂમિકામાં
આણંદ, મંગળવાર: સરદાર સાહેબના જીવનના પ્રેરણાદાયી અધ્યાયોને દેશના ખૂણે-ખૂણે ગુંજતા કરવા માટે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા “સરદાર@૧૫૦: યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ આ ભવ્ય રાષ્ટ્ર યજ્ઞને સુચારુ અને સફળ બનાવવા માટે પદયાત્રીઓની આગળ-પાછળ બે વિશેષ ટુકડીઓ ચાલશે, જે શિસ્ત અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
આ વિશેષ ટુકડીઓ પૈકી એક છે ‘અરૂણ ટુકડી’ કે જે પદયાત્રીઓની આગળ રહીને સૂક્ષ્મ પર્યવેક્ષણ કરશે. સ્થાનિક જિલ્લાઓમાંથી અધિકારી અને સામાજીક કાર્યકરોને પસંદ કરીને રચવામાં આવેલી આ ટુકડી નિર્ધારિત સમયપાલન મુજબ યાત્રા આગળ વધે તેની દેખરેખ રાખશે. યાત્રાના કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાની અને દૈનિક રૂટ ઈનચાર્જ કમિટીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાની ગુરુત્તર જવાબદારી આ ટુકડીના શિરે છે.
અને બીજી ટુકડી છે ‘કૃષ્ણ ટુકડી’, જે પદયાત્રીઓની પાછળ ચાલીને સેવાકીય ભૂમિકા અદા કરશે. ગાંધીજી અને સરદારના સ્વચ્છતાના આગ્રહને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ સ્થળો અને રાત્રિ રોકાણના સ્થળોની સાફ-સફાઈ સુનિશ્ચિત કરશે, જેથી આ ભવ્ય યાત્રા પાછળ માત્ર પ્રેરણાના પગલાં છોડી જાય, ગંદકી નહીં!
આ રાષ્ટ્રીય પદયાત્રા સરદારના પ્રારંભ અને તેમના વિરાટ વ્યક્તિત્વ વચ્ચેનો સેતુ બનવા જઈ રહી છે, ત્યારે ચાલો આ રાષ્ટ્ર યજ્ઞમાં જોડાઈએ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના શપથને પુનઃ સાકાર કરીએ.