બંધ

વજન નિયંત્રણ અને અનેક રોગો સામે રક્ષણ માટેનો રામબાણ ઉપાય એટલે પૌષ્ટિક આહાર

પ્રકાશિત તારીખ : 19/01/2026

પોષણયુક્ત આહારમાં જાડા ધાન્ય અને કઠોળની અગત્યતા

મેદસ્વિતાને ટાળો, શ્રી અન્ન,જાડા ધાન્ય (મિલેટ્સ) અને કઠોળને અપનાવો!

આણંદ, શનિવાર: આજના ઝડપી અને આધુનિક જીવનશૈલીમાં, મેદસ્વિતા (સ્થૂળતા) એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બનીને ઉભરી રહી છે, જે અનેક રોગોને આમંત્રણ આપે છે. રાજ્ય સરકારના “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” ના સૂત્ર સાથે આપણે સૌ પોષણયુક્ત આહાર અપનાવીને મેદસ્વિતાને દૂર રાખી શકીએ છીએ. આ માટે આપણા દૈનિક આહારમાં શ્રી અન્ન (મિલેટ્સ) અને કઠોળ ને સામેલ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.

શ્રી અન્ન (મિલેટ્સ) જેને આપણે જાડા ધાન્ય તરીકે પણ ઓળખીએ છીએ, તે પ્રાચીન કાળથી આપણા ભોજનનો અભિન્ન અંગ રહ્યા છે. જુવાર, બાજરી, રાગી (નાગલી), કોદરી, સામો, કાંગ અને મોરિયો જેવા શ્રી અન્ન પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેનાથી અતિશય ખાનપાન અટકે છે અને વજન નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત, શ્રી અન્ન ગ્લુટેન-ફ્રી હોય છે અને તેમાં વિટામિન્સ, મિનરલ્સ, અને એન્ટીઑકિસડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને અનેક રોગો સામે રક્ષણ આપે છે.

કઠોળની વાત કરીએ તો મગ, અડદ, ચણા, મઠ, તુવેર, વટાણા વગેરે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. શાકાહારીઓ માટે પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે કઠોળ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રોટીન સ્નાયુઓના નિર્માણ અને સમારકામ માટે આવશ્યક છે. કઠોળમાં પણ ફાઈબરનું પ્રમાણ ઊંચું હોય છે, જે કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નિયમિત કઠોળનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ પણ ઘટે છે.

આપણે શ્રી અન્ન અને કઠોળને આપણા દૈનિક આહારમાં સરળતાથી સામેલ કરી શકીએ છીએ. સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં ફણગાવેલા કઠોળ, બાજરીનો રોટલો કે જુવારની રોટલી અને રાત્રિના ભોજનમાં દાળ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. વિવિધ પ્રકારના કઠોળને સલાડ, સૂપ કે શાકમાં ઉમેરીને પણ ઉપયોગ કરી શકાય છે. ચાલો આપણે સૌ આપણા આહારમાં પોષણને વધારીએ અને શ્રી અન્ન તેમજ કઠોળને અપનાવીએ.