રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે
પ્રકાશિત તારીખ : 01/10/2025
લઘુતમ ટેકાના ભાવે ડાંગર,મકાઈ,બાજરી,જુવાર અને રાગીનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવે
સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સુધી નોંધણી કરવામાં આવશે
ડાંગરની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે
આણંદ, બુધવાર: ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૩૬૯-/- પ્રતિ ક્વિ., ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ.,મકાઈ માટે રૂ. ૨,૪૦૦/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ.૨,૭૭૫/- પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) જુવાર(હાઈબ્રીડ) રૂ. ૩,૬૯૯/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ), જુવાર (માલદંડી) રૂ.૩,૭૪૯/- પ્રતિ ક્વિ.(ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ.) તથા રાગી માટે રૂ. ૪,૮૮૬/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ) નિયત કરવામાં આવ્યું છે.
ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે.
નોંધણી માટે લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. ૦૧/૧૦/૨૦૨૫ થી તા. ૩૧/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવશે. તેમજ ડાંગરની ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૫થી તા.૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઈ, બાજરી, જુવાર તથા રાગીની ખરીદી તા.૦૧/૧૧/૨૦૨૫ થી તા.૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. નોંધણી કરાવવા ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે.
નોંધણી માટે જરૂરી પુરાવામાં આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તે ખેડૂતને જાણ કરવામાં નહીં આવે તે ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું રહેશે.
ખેડૂત મિત્રોને નોંધણી બાબતે કોઇ મુશકેલી હોય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારી, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.