માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક અને ગુજરાત રોજગાર સમાચારના લવાજમ માટે હવે ઘરે બેઠા ઓનલાઈન પેમેન્ટની સુવિધા
પ્રકાશિત તારીખ : 01/01/2026
આણંદ,ગુરુવાર: માહિતી નિયામક કચેરી દ્વારા પ્રકાશિત થતા લોકપ્રિય સામાયિકો ‘ગુજરાત પાક્ષિક’ અને ‘ગુજરાત રોજગાર સમાચાર’ મેળવવા ઈચ્છતા નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે લવાજમ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ અને ડિજિટલ બનાવવામાં આવી છે.
વાંચકો હવે SBI Collect પોર્ટલના માધ્યમથી કોઈપણ સ્થળેથી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે.ઓનલાઈન લવાજમ ભરવા માટેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે.
પેમેન્ટ કરવાની સરળ રીત:
સ્ટેપ ૧: સૌ પ્રથમ SBI Collect ની સત્તાવાર વેબસાઇટ https://onlinesbi.sbi.bank.in/sbicollect/ પર જાઓ. ત્યાં ‘Type of Institution’ માં ‘DIRECTOR OF INFORMATION’ સર્ચ કરી પસંદ કરો.
સ્ટેપ ૨: જે સામાયિકનું લવાજમ ભરવાનું હોય (ગુજરાત પાક્ષિક અથવા ગુજરાત રોજગાર સમાચાર) તે કેટેગરી સિલેક્ટ કરો.
સ્ટેપ ૩: ‘Enter Payment Details’ માં તમારું નામ, મોબાઈલ નંબર અને સરનામું જેવી જરૂરી વિગતો ભરો. આપેલી વિગતો એકવાર ચકાસી લીધા બાદ ‘Terms & Conditions’ સ્વીકારીને ‘Proceed’ પર ક્લિક કરો.
સ્ટેપ ૪: પેમેન્ટ માટે તમને વિવિધ વિકલ્પો મળશે, જેવા કે:
Net Banking
Debit / Credit Card
UPI (Google Pay, PhonePe, વગેરે)
NEFT / RTGS અથવા Branch Payment
સ્ટેપ ૫: પેમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ‘Print Receipt’ ના વિકલ્પમાંથી રસીદ અથવા રેફરન્સ નંબર ડાઉનલોડ કરી સાચવી રાખવી.
મહત્વની સૂચના:
પેમેન્ટ કરતી વખતે ક્યારેય પણ તમારો OTP અથવા PIN કોઈને આપશો નહીં.લવાજમ ભરવા માટે માત્ર સરકારી અધિકૃત વેબસાઈટનો જ ઉપયોગ કરવો.
આ ડિજિટલ સુવિધાને કારણે હવે રાજ્યના ખૂણે ખૂણે વસતા વાંચકો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી આ સામાયિકો મેળવી શકશે.