બંધ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખેડુત ખાતેદારોને વળતરની  રકમ આપવા તેમને સહાયરૂપ થવા જિલ્લા વહીવટી તંત્રનો સરહાનીય પ્રયાસ

પ્રકાશિત તારીખ : 03/05/2025

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે તા.૦૫ થી તા. ૧૩ મે સુધી દરરોજ એક-એક ગામ માટે હાથ ધરાશે ખાસ ઝુંબેશ.

આ ઝુંબેશનો લાભ લેવા અસરગ્રસ્ત  ગામના ખેડુત ખાતેદારોને અનુરોધ કરતું જિલ્લા વહીવટી તંત્ર.

આણંદ,શુક્રવાર: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અસરગ્રસ્ત ખેડુત ખાતેદારો વળતરની રકમ મેળવવા તજવીજ કરી શકતા ન હોય તેમને સહાયરૂપ થવા જિલ્લા વહીવટી તંત્ર, આણંદ દ્વારા સરહાનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જે અન્વયે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી, આણંદ ખાતે તા.૦૫ થી તા. ૧૩ મે ૨૦૨૫ સુધી દરરોજ એક-એક ગામ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ ઝુંબેશનો લાભ લેવા અસરગ્રસ્ત ખેડુત ખાતેદારોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન (બુલેટટ્રેન) પ્રોજેકટ માટે આણંદ તાલુકાના અડાસ, આંકલાવડી, ચિખોદરા, રાજુપુરા, વઘાસી, ગામડી, રામનગર, વાસદ, મોગર, સામરખા, બોરીયાવી ખાતેની જમીનો નિયમાનુસાર સંપદિત કરવામાં આવેલ છે, તેમજ જમીન સંપાદનનું વળતર સંબધિત જમીન ખાતેદારને ચૂકવણી કરવામાં આવી છે.

આમ છતાં, ઘણા કિસ્સામાં એક યા બીજા કારણોસર ઘણા જમીન ખાતેદારો તેમને મળવાપાત્ર વળતરની રકમ મેળવવા જરૂરી કાગળો અને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી શકતા ન હોવાથી વળતરની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવેલ છે.

જે કિસ્સામાં જમીન સંપાદન વળતરની રકમ સરકારી તિજોરીમાં જમા હોય, કલેકટર કચેરી દ્વારા વારંવાર પત્ર પાઠવવા છતાં ખેડુત ખાતેદારો વળતરની રકમ મેળવવા તજવીજ કરી શકતા ન હોય તેમને સહાયરૂપ થવા, જરૂરી સમજ અને માર્ગદર્શન આપવા અને જરૂરી કાગળો-પુરાવાઓ તૈયાર કરવામાં મદદ કરવા માટે આણંદના જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી, આણંદ ખાતે તા.૦૫/૦૫/૨૦૨૫ થી તા. ૧૩/૦૫/૨૦૨૫ સુધી દરરોજ એક-એક ગામ માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.

આથી,આ ઝુંબેશમાં સામેલ થઈ વળતર ન મેળવી શકતા દરેક ખેડુત ખાતેદારોને લાભ મેળવવા કલેકટર કચેરી આણંદના નાયબ કલેકટર-૧ દ્વારા જણાવવામાં આવ્યું છે.