બાકરોલ ખાતેની અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયની છાત્રાઓને મેનુ મુજબનું ભોજન નિયમિત આપવામાં આવે છે – નાયબ નિયામક, એચ. આર. પરમાર
પ્રકાશિત તારીખ : 11/04/2025
આણંદ, શુક્રવાર: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હસ્તક આણંદ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ ની કચેરી દ્વારા બાકરોલ ખાતે અનુસૂચિત જાતિ માટેની કન્યા છાત્રાલય ચલાવવામાં આવે છે. આ છાત્રાલય ખાતે રહેતી છાત્રાઓને સરકારશ્રીના નિયમાનુસાર ભોજન પૂરું પાડવામાં આવે છે.
આણંદ ખાતેની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના નાયબ નિયામકશ્રી એચ આર. પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાકરોલ ખાતે સરકારી કન્યા છાત્રાલય સંકુલ ૦૧ અને સંકુલ ૦૨ માં હાલ કુલ ૧૭૦ વિદ્યાર્થીનીઓ રહે છે અને વિવિધ કોલેજોમાં અભ્યાસ કરે છે.
આ છાત્રાલયમાં રહેતી છાત્રાઓને વિનામૂલ્યે રહેવા, જમવાની વ્યવસ્થા ઉપરાંત પુસ્તકાલયની સગવડ પણ સરકારશ્રીના નિયમો મુજબ પૂરી પાડવામાં આવે છે.
વધુમાં શ્રી પરમારના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે સરકારી કન્યા છાત્રાલય ખાતે રહેતી છાત્રાઓને નિયમ મુજબ ભોજન પુરું પાડવા માટે જેમ પોર્ટલ મારફતે પ્રક્રિયા હાથ ધર્યા બાદ જે કોન્ટ્રાક્ટરના સૌથી ઓછા ભાવ મળ્યા તે કેટરર્સને ભોજન પૂરું પાડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
આ કોન્ટ્રાક્ટર દ્વારા તેમને સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ મેનુ આપવામાં આવ્યું છે, આ મેનુ પ્રમાણેનું ભોજન છાત્રાઓને સમયસર બે ટાઈમ પૂરું પાડવામાં આવે છે. આમ છતાં ગત દિવસોમાં અમુક છાત્રાઓ દ્વારા ભોજનનો બહિષ્કાર કરી ધરણા કરતા તેમની માંગણી મુજબ અન્ય વાનગી કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી હતી, તેમ છતાં પણ છાત્રાઓએ ભોજનનો બહિષ્કાર કરતા તેઓની માંગણી મુજબના ભોજનની વ્યવસ્થા કોન્ટ્રાક્ટર દ્વારા બહારથી ભોજન લાવીને કરવામાં આવી હતી અને તે મુજબનું ભોજન છાત્રાઓએ કર્યું હતું.
આમ, સરકારી કન્યા છાત્રાલય ખાતે નિયમો પ્રમાણે જ મેનુ મુજબનું આપવામાં આવે છે, તેમ અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, આણંદના નાયબ નિયામક, એચ આર.પરમાર દ્વારા વધુમાં જણાવાયું છે.