બંધ

પેટલાદ અને સોજીત્રા તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્યાન દારૂખાનું વેચવા હંગામી પરવાના મેળવવા તા.૯ મી ઓક્ટોબર સુધી અરજી કરવી

પ્રકાશિત તારીખ : 29/09/2026

આણંદ, સોમવાર , પેટલાદના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેસ્ટશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી નવેમ્બર માસમાં આવનાર દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાંના હંગામી સંગ્રહ/વેચાણ કરવાનો પરવાનો મેળવવા માંગતા પેટલાદ અને સોજીત્રા તાલુકાના અરજદારોએ નિયત નમૂનામાં અરજી ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી તથા અરજી ફોર્મ ઉપર રૂ.૩ ની કોર્ટ ફી ટિકિટ લગાવી જરૂરી આધાર પુરાવાઓ સામેલ રાખી તા.૦૯/૧૦/૨૦૨૬ સુધીમાં પેટલાદ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેસ્ટશ્રીની કચેરી ખાતે ૦૩(ત્રણ) નકલોમાં જમા કરાવવાની રહેશે.

યાદીમાં જણાવ્યા મુજબ નિયત નમૂનાની અરજી ઉપર રૂા. ૩/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવી, “૦૦૭૦” બીજી વહીવટી સેવાઓ (OAS) સદરે રૂ.૩૦૦/- દારૂખાનું રાખવાનો પરવાનો તથા મંજુર કરવાની અરજીની તપાસણી ફી માટે તેમજ રૂ.૬૦૦ પરવાનાની ફી મળી કુલ રૂા.૯૦૦ “૦૦૭૦-OAS” સદરે જમા કર્યા અંગેનું અસલ ચલણ સામેલ રાખવું., સુચિત સ્થળોનો એપ્રુવ નકશો જેમાં જે સ્થળ છે તેની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવા, અરજદારે પોતાની ઓળખ માટે આધારકાર્ડ/ચૂંટણી કાર્ડની નકલ તેમજ પાસપોર્ટ સાઈઝના બે ફોટા, માંગણીવાળી જગ્યાની માલિકી બાબતનો પુરાવો અથવા ભાડાપટ્ટે લીધેલ હોય તો ભાડાકરાર તથા પરવાના સ્થળના ત્રણ ફોટોગ્રાફ્સ અરજી સાથે રજૂ કરવા જણાવાયું છે.

વધુમાં પરવાનાના સ્થળે ફાયર સેફટી અંગેના સાધનો, અગ્નિશામક યંત્રો, રેતીની ભરેલી ડોલ તેમજ પાણીની વ્યવસ્થા અંગેનું પરવાનેદારનું બાહેંધરી પત્ર, સ્થાનિક પોલીસ સ્ટેશન તથા નગરપંચાયત/ગ્રામ પંચાયત/નગરપાલિકાનું ચાલુ વર્ષનું “ના વાંધા પ્રમાણપત્ર” અને ગત વર્ષે હંગામી ફટાકડાં વેચાણ/સંગ્રહ કરવા અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વપ્રમાણિત કરેલ નકલ, આગ અકસ્માતના કિસ્સામાં સબંધિત નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટરની ઉપલબ્ધી/વ્યવસ્થા અંગેનુ પ્રમાણપત્ર, તેમજ જરૂરિયાત પ્રમાણેના સાધનિક પુરાવા સાથે જોડવા જણાવવામાં આવ્યું છે.  ઉપરાંત હંગામી ફટાકડા લાઇસન્સ ધારકે દિવાળીના તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે તો તે મુજબની અમલવારી કરવાની રહેશે તેમ વધુમાં પેટલાદના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેસ્ટશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.