ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
પ્રકાશિત તારીખ : 07/05/2026
આણંદ જિલ્લાનું 82.29 ટકા પરિણામ
આણંદ, બુધવાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2026માં લેવામાં આવેલ ધોરણ-10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લાનું 82.29 ટકા પરિણામ આવ્યું છે.
આણંદ જિલ્લાના સમગ્ર પરિણામમાં ચાલુ વર્ષે જિલ્લામાંથી કુલ 28,511 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. તેમાંથી 28,119 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 23,140 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થઈને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઠર્યા છે. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના ગ્રેડનું વિશ્લેષણ કરીએ તો, સમગ્ર આણંદ જિલ્લામાં 830 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 2439 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ ઉપરાંત 3922 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ અને 5352 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે.આમ, આણંદ જિલ્લાનું 82.29 ટકા એકંદર પરિણામ નોંધાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના ધોરણ 10 ના બોર્ડની પરીક્ષાના પરિણામમાં ઉતરોતર સુધારો નોંધાયો છે. જેમાં વર્ષ 2024 માં 74.63%, વર્ષ 2025 માં 80.17 ટકા જ્યારે ચાલુ વર્ષે વર્ષ 2026માં 82.29 ટકા પરિણામ આવ્યું છે.તેવી જ રીતે વર્ષ 2025 માં આણંદ જિલ્લામાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 29 હતી જેમાં વધારો થઈને ચાલુ વર્ષે માર્ચ 2026 ની બોર્ડની પરીક્ષા ના પરિણામ મુજબ શાળાઓની સંખ્યા 34 થઈ છે. આ ઉપરાંત 30% કરતાં ઓછું પરિણામ આવ્યું હોય તેવી શાળાઓની સંખ્યા માર્ચ 2025 માં 06 હતી જેમાં ઘટાડો નોંધાયો છે અને માર્ચ 2026 માં આ સંખ્યા 07 થઈ છે.
આણંદ જિલ્લામાં ધોરણ 10 ના બોર્ડની પરીક્ષામાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યાઓ 34, 91 થી 99% પરિણામ ધરાવતી શાળાઓ 104, 81 થી 90 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 75, 71 થી 80% પરિણામ ધરાવતી શાળાઓ 35 અને 61 થી 70% પરિણામ નોંધાયું હોય તેવી શાળાઓ 36 નોંધાઈ છે.
આમ, સમગ્ર આણંદ જિલ્લામાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં ઉતરોતર સુધારો થવા પામ્યો છે.