ધોરણ ૧૦ ના વિદ્યાર્થી મિતરાજસિંહ ગરાસીયા કમળાની બિમારી હોવા છતાં હોસ્પિટલ ખાતેથી આવીને પરીક્ષા આપી પરત હોસ્પિટલ પહોંચ્યા
પ્રકાશિત તારીખ : 27/02/2025
આરબીએસકેની એમ્બ્યુલન્સ માં આવી પરીક્ષા આપી
મિતરાજસિંહ પરીક્ષા કેન્દ્ર ખાતે અલગ રૂમમાં બેસી પરીક્ષા આપી શકે તે માટે તાત્કાલિક જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાય
આણંદ, ગુરૂવાર: કહેવાય છે કે મજબૂત અને મક્કમ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ કહેવતને આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષા આપતા ગરાસીયા મિતરાજસિંહ યુવરાજસિંહએ યથાર્થ કરી બતાવી છે.
આણંદ જિલ્લાના ધર્મજ ખાતે રહેતા અને ધોરણ -૧૦માં અભ્યાસ કરતા મિતરાજસિંહ યુવરાજસિંહ ગરાસીયા છેલ્લા કેટલાક દિવસથી કમળાની બીમારીમાં સપડાયા છે.
આણંદ જિલ્લામાં આજથી શરૂ થયેલી ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં તેનો નંબર બામણવા લક્ષ હાઈસ્કૂલ ખાતે આવેલ હતો, કમળાની બીમારી હોવાથી પરીક્ષા આપી નહીં શકાય તેમ તેના વાલી સમજતા હતા, પરંતુ મિતરાજસિંહ એ જણાવ્યું કે મને મારા પરીક્ષા કેન્દ્ર ખાતે લઈ જાઓ હું પરીક્ષા આપીશ.
મિતરાજસિંહને બીજા વિદ્યાર્થીઓ સાથે બેસાડી પરીક્ષા આપવાથી અન્ય વિદ્યાર્થીઓને પણ કમળાની અસર થાય તેમ સિવિલ સર્જન- પેટલાદ દ્વારા જણાવતા તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તેને અલગ રૂમમાં બેસવાની વ્યવસ્થા કરી આપી.
પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી મિતરાજસિંહ ગરાસીયાને આરબીએસકે ની ટીમ દ્વારા તેમની એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો અને મિતરાજસિંહએ લક્ષ બામણવા ખાતેના યુનિટ નંબર- ૦૧ માં શાંત મનથી, મક્કમતાથી ગભરાયા વગર પરીક્ષા પણ આપી.
પરીક્ષા પૂર્ણ થયા બાદ એકદમ સ્વસ્થ થતાં તેને આરબીએસકેની ટીમ પરત સિવિલ હોસ્પિટલ, પેટલાદ ખાતે લઈ ગઈ જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
આમ, ધોરણ ૧૦ નો વિદ્યાર્થી મિતરાજસિંહ યુવરાજસિંહ ગરાસીયા બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બન્યો છે.

ધોરણ ૧૦ ના વિદ્યાર્થી મિતરાજસિંહ ગરાસીયા કમળાની બિમારી હોવા છતાં હોસ્પિટલ ખાતેથી આવીને પરીક્ષા આપી પરત હોસ્પિટલ પહોંચ્યા
