તા. ૨૧ જૂન ના રોજ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે
પ્રકાશિત તારીખ : 13/06/2025
આણંદ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અન્વયે બેઠક યોજાઈ.
આણંદ,ગુરુવાર: આગામી ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આણંદ જિલ્લામાં ઉજવણી કરવાના આયોજન બાબતે નિવાસી અધિક કલેકટર શ્રી આર.એસ.દેસાઈના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી.
સમગ્ર વિશ્વ અને દેશમાં તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત કરવા અને યોગ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આણંદમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાના આયોજન માટે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણી અન્વયે સ્ટેજ,સાઉન્ડ સિસ્ટમ, લાઈવ પ્રસારણ નિહાળવા એલઇડી સ્ક્રીન અને વીજ પુરવઠાની ઉપલબ્ધતા, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, ગ્રાઉન્ડ તેમજ આસપાસની જગ્યાએ સાફ-સફાઈ ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા કરવા બાબતે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત નિવાસી અધિક કલેકટરશ્રીએ આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળા-કોલેજ, આરોગ્ય કેન્દ્ર, પોલીસ વિભાગ, સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપરાંત વધુને વધુ સંખ્યામાં નગરજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બને તે પ્રકારનું આયોજન કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી મયુર પરમાર, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
