જીએસટીના દરમાં ઘટાડો
પ્રકાશિત તારીખ : 29/09/2025
આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળીના સભ્યોએ સામૂહિક એકઠા થઈને વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી જી. એસ. ટી.નો દર ઘટાડવા બદલ આભાર વ્યક્ત કર્યો
સહકાર ક્ષેત્રના માળખાને સક્ષમ બનાવવામાં સરકારની મહત્વની ભૂમિકા:અજરપુરા દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રીમતિ ગાયત્રી બેન
આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં અમુલ સાથે સંકળાયેલ વિવિધ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભ્યઓએ પદાધિકારીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટ કાર્ડ લખી તેમનું આભાર દર્શન કર્યું છે.
જે અન્વયે તા.૫ જૂન ૧૯૪૭ માં શરૂ કરાયેલ સૌ પ્રથમ સહકારી ક્ષેત્ર માટે જનક ગણાતી આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળી ખાતે દૂધ ઉત્પાદક સહકારી ડેરીના ચેરમેનશ્રી સહિત સભાસદો અને ખેડૂતો અને પશુપાલકોએ જી.એસ.ટી.માં કરેલ સુધારા અન્વયે સહકારી ક્ષેત્રમાં થયેલ ફાયદાઓ અંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને આભાર પ્રગટ કરતા પોસ્ટકાર્ડ પાઠવ્યા હતા.
અજરપુરા દૂધ ડેરી ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રીમતિ ગાયત્રીબેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દુરંદેશી વિઝન થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે. સહકાર ક્ષેત્રના વિકાસની સાથે ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ સારો એવો વધારો થયો છે. ત્યારે સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે પશુપાલકો અને ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે અજરપુરા દૂધ ઉત્પાદક મંડળીઓના સભ્યોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખી તેમનો આભાર વ્યક્ત કર્યો છે. આજે અજરપુરા દૂધ મંડળી ખાતે 50 કરતા વધારે સભાસદો એ એકઠા થઈને સામૂહિક પોસ્ટકાર્ડ લખ્યા હતા અને વડાપ્રધાન શ્રી પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1964 માં ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ ગુજરાત પ્રવાસ દરમિયાન અજરપુરા ગામ રાત્રિ રોકાણ કર્યું હતું.તેમના પ્રવાસ દરમિયાન અજરપુરા દૂધ ઉત્પાદક મંડળીના કાર્યશૈલીથી પ્રભાવિત થયા હતા.ત્યારપછી અજરપુરા ડેરીની કાર્યશૈલીને સમગ્ર દેશમાં પહોચાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી.જેના ફળસ્વરૂપે જ ૧૯૬૫ માં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ ( N.D.D.B) આણંદ ખાતે કાર્યરત કરવામાં આવી છે.આજે પણ N.D.D.B ના વિધાર્થીઓ અજરપુરા દૂધ ડેરી ઉત્પાદક મંડળીની કાર્યશૈલીને સમજવા માટે પોતાના પ્રોજેક્ટમાં અવશ્ય સામેલ કરે છે.