ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુના રોગથી બચવા માટેના અસરકારક ઉપાયો
પ્રકાશિત તારીખ : 28/07/2026
આણંદ, સોમવાર, વરસાદની મોસમ શરૂ થતાંની સાથે જ વાતાવરણમાં ભેજ જોવા મળે છે અને ઠેર-ઠેર ભરાતા વરસાદી પાણીના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય પણ વધી જાય છે, જેમાં ખાસ કરીને આ સમયગાળા દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ઝડપી વધારો જોવા મળે છે. આ મચ્છરો સામાન્ય રીતે ઘરની આસપાસ એકત્ર થયેલા ચોખ્ખા અને બંધિયાર પાણીમાં પોતાના ઈંડા મૂકે છે. ચોમાસાના આ દિવસોમાં આરોગ્ય તંત્રની કામગીરીની સાથે સાથે નાગરિકોએ પણ સાવચેત રહેવુ જરુરી છે.
મચ્છર કરડવાથી આપણા શરીરમાં ડેન્ગ્યુના વાયરસ પ્રવેશે તેના થોડા દિવસોમાં જ દર્દીમાં તેના લક્ષણો જોવા મળે છે. જેમાં અચાનક તીવ્ર તાવ આવવો, માથામાં સખત દુખાવો થવો, અને ખાસ કરીને આંખોમાં અસહ્ય પીડા થવી જેવા કારણ મુખ્ય હોય છે. આ સિવાય દર્દીને સ્નાયુઓ અને સાંધામાં તીવ્ર દુખાવો અનુભવાય છે, સતત ઊલટી થવી, ભારે નબળાઈ આવવી અને શરીરની ત્વચા પર લાલ રંગની ફોલ્લીઓ દેખાવી એ ડેન્ગ્યુના સ્પષ્ટ લક્ષણો છે.
કોઈપણ વ્યક્તિને આ પ્રકારના કોઈ પણ લક્ષણો જણાય તો તેણે તુરંત જ તબીબી તપાસ કરાવવી અત્યંત જરૂરી છે.
ડેન્ગ્યુથી બચવા માટે ઘરમાં કે ઘરની આસપાસ, અગાશી ઉપર કે ગેલેરીમાં પડેલા તૂટેલા વાસણો, જૂના ટાયર, પ્લાસ્ટિકની બોટલો કે નકામા પાત્રોમાં પાણી એકઠું થવા દેવું જોઈએ નહીં. આ ઉપરાંત કૂલર, પક્ષીઓને પાણી પીવાના કુંડા, ફૂલદાની અને મનીપ્લાન્ટના વાસણોનું પાણી અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર ચોક્કસપણે બદલીને તેને બરાબર સાફ કરવુ જોઈએ. ઘરમાં પાણીનો સંગ્રહ કરવા માટે વપરાતી ટાંકીઓ કે વાસણોને હંમેશા ઢાંકણથી ઢાંકીને રાખવા જોઈએ જેથી મચ્છર તેમાં ઈંડા ન મૂકી શકે.
મચ્છરના કરડવાથી બચવા માટે વ્યક્તિગત સ્તરે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. ખાસ કરીને દિવસના સમયે ઘરની બહાર નીકળતી વખતે શરીર ઢંકાય તેવા સંપૂર્ણ વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. શરીરના ખુલ્લા ભાગો પર મચ્છર રોધક ક્રીમનો ઉપયોગ કરવો તેમજ ઘરમાં મચ્છરોનો પ્રવેશ અટકાવવા બારી-બારણાં પર જાળી લગાવવી. આ સિવાય ચોમાસા દરમિયાન શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવું તથા પૌષ્ટિક ખોરાક લેવો જેથી શરીરની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે.
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે, તાવ કે ડેન્ગ્યુ જેવા લક્ષણો જણાય ત્યારે જાતે જ કોઈ દવાઓ કે ગોળીઓ લેવી જોઈએ નહી. કારણ કે તે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આવા કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની જરૂરી તપાસ કરાવી લેવી જોઈએ.
ચોમાસાની આ ઋતુમાં સાવચેતી એ જ સલામતીના મંત્રને અપનાવીને જો દરેક નાગરિક પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવે, પાણી ભરાયેલુ ના રહે તેની કાળજી રાખે, તો ડેન્ગ્યુ જેવા ગંભીર રોગને ફેલાતો આપણે અટકાવી શકીશુ. આ આપણા સૌની જવાબદારી છે.