બંધ

ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે

પ્રકાશિત તારીખ : 18/02/2025

તા.૦૯મી માર્ચ સુધી ખેડૂતો વિનામૂલ્યે ઈ-સમૃધ્ધિ પોર્ટલ થકી કરી શકશે ઓનલાઇન નોંધણી

આણંદ,મંગળવાર:: ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી, વર્ષ ૨૦૨૪-૨૫માં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે.

ભારત સરકારએ વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચણા પાક માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના પાક માટે રૂ.૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે.

ટેકાના ભાવ કરતા બજારભાવ નીચા જાય ત્યારે ભારત સરકારશ્રીની પીએમ આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તદનુસાર રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા આજથી થી તા.૦૯મી માર્ચ સુધી ખેડૂતોની ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે.

જે અન્વયે જિલ્લાના ચણા અને રાયડો પકવતાં ખેડુતભાઈઓએ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી,જિલ્લા પંચાયત આણંદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડા પાકની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરેલ છે. જે અન્વયે વિવિધ ખરીદ કેન્દ્રો પર ચણા અને રાયડાની ખરીદી તા.૧૪ મી માર્ચ થી કરવામાં આવશે.