ગ્રીષ્મ લહેર વખતે પશુઓની કાળજી લેવા અનુરોધ
પ્રકાશિત તારીખ : 11/04/2025
સવારે ૧૧-૦૦ વાગ્યાથી બપોરના ૪-૦૦ વાગ્યા સુધી પશુઓને છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા અપીલ.
આણંદ, શુક્રવાર:હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહે છે, જેમાં પશુ, પક્ષીઓ પણ ગરમીના કારણે પરેશાની અનુભવે છે.
આણંદ જિલ્લાના પશુપાલક ભાઈઓ, બહેનોને ડૉ. મેહુલ પટેલ,નાયબ પશુપાલન નિયામક શ્રી, જિલ્લા પંચાયત આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગરમીના કલાકો સવારે ૧૧-૦૦ વાગ્યાથી બપોરના ૪-૦૦ વાગ્યા સુધી પશુઓને આરામ કરવા માટે છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા જોઈએ.
બપોરના સમયે ભીનાં કપડાંથી પશુનું શરીર ઢાંકવું જોઈએ. યોગ્ય હવા ઉજાસ માટે પશુઓના શેડના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી. દિવસે તડકો હોય તે સમય દરમ્યાન પશુઓના શેડમાં શણના ભીના કોથળા બાંધવા જોઈએ, ડાંગરની પરાળી વગેરેથી છત/છાપરા ઢાંકવા, છતને સફેદ કલરથી રંગવી, પશુઓના પીવાના પાણીના હવાડા સ્વચ્છ રાખવા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. પશુઓને દિવસમાં ઓછામાં ઓછા એકવાર, શક્ય હોય તો દિવસના ઠંડકના કલાકો દરમ્યાન વહેલી સવારે કે સાંજે સ્નાન કરાવવુ. દિવસના ગરમીના કલાકો દરમ્યાન પશુઓ અને પક્ષીઓનું પરિવહન કરવાનું ટાળવુ. ચરાવવાનો સમય વહેલા સવારે કે સાંજના સમયે નિયત કરવો. લીલાચારાની સાથે, પશુઓને ઉચ્ચગુણવત્તાવાળો ખોરાક મળી રહે તે મુજબ ખાણ-દાણ અને પૂરક આહારનો સમાવેશ કરવો અને ખોરાકની ગુણવત્તા વધારતા તત્વો (Feed additives) ઉમેરવા જોઈએ. નાના, ગાભણ અને દૂધાળા પશુઓની વિશેષ કાળજી રાખવી અને ગરમીના તણાવના લક્ષણો માટે નિયમિત દેખરેખ રાખવી. સ્થાનિક ગ્રીષ્મ લહેર બાબતની આગાહિઓ પરત્વે ધ્યાન આપવું. ગ્રીષ્મ લહેરના સમયગાળામાં પશુહાટ કે પશુમેળાનું આયોજન કરવું નહી. પશુઓના ચરિયાણ વિસ્તારમાં મૃત પશુઓનો નિકાલ કરવો નહિ. શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં રખડતા પશુ પક્ષીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઇએ.
ગરમીના લીધે મુખ્યત્વે પશુઓમાં સુસ્ત થઈને પડ્યા રહેવું, સુકુ નાક, નબળાઈ, ધ્રુજારી, લાળ ઝરવી, બેભાન થઈ જવું, પેટ ફુલી જવુ. ઓછુ હલન ચલન, હાવભાવમાં ફેરફાર, ધ્રુજારી, વધુ પાણી પીવું, ભૂખ ન લાગવી. જીભ બહાર કાઢીને ઝડપથી હાંફવુ, પક્ષીઓમાં ખુલ્લી ચાંચ દ્વારા હાંફ ચઢવી. સતત છાયડો શોધવો, પાણીના સ્ત્રોત પર લાંબા સમય સુધી પડી રહેવું, પક્ષીઓના કિસ્સામાં પાંખો ફેલાવીને રાખવી. દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવો જેવા લક્ષણો જોવા મળે છે.
આ મુજબના લક્ષણો દેખાય તો તે પશુઓ પક્ષીને ઝડપથી છાંયા વાળા ઠંડા સ્થળે સ્થળાંતરિત કરવા જોઈએ, જો પશુની સ્થિતિમાં સુધારો ન થાય તો નજીકના પશુ ચિકિત્સા અધિકારીની મદદ લેવા ડોક્ટર મેહુલ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.