ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે

પ્રકાશિત તારીખ : 03/10/2026

02 ઓક્ટોબરથી  31 ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકાશે

16 નવેમ્બર 2026 થી 15 મી જાન્યુઆરી 2027 સુધી ખરીદી કરવામાં આવશે

ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે કરાવી શકાશે ઓનલાઇન રજીસ્ટ્રેશન

આણંદ, ગુરુવાર, રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત પારદર્શક ખરીદી પ્રક્રિયા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્યના ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલ લઘુત્તમ ટેકાના ભાવ મુજબ ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી આ ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે સુનિયોજિત રીતે ચલાવવામાં આવશે જેથી ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે.

રાજ્ય સરકાર દ્વારા વિવિધ પાકો માટે નિયત કરવામાં આવેલા ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2441/-અને ડાંગર (ગ્રેડ-એ) માટે રૂપિયા 2461/- ભાવ નક્કી કરવામાં આવ્યા છે. મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2410/- નો ભાવ જાહેર કરાયો છે. જ્યારે બાજરી માટે રૂપિયા 2900/- ના ભાવ ઉપરાંત રૂપિયા 300 નું વધારાનું બોનસ પ્રતિ ક્વિન્ટલ ચુકવવામાં આવશે. તેવી જ રીતે જુવાર (હાઈબ્રીડ) માટે રૂપિયા 4023/- અને જુવાર (માલદંડી) માટે રૂપિયા 4073/- ના ભાવ નક્કી કરાયા છે, જેમાં પણ રૂપિયા 300 નું વધારાનું બોનસ ઉમેરવામાં આવશે. રાગી માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5205/- ના ભાવ સાથે રૂપિયા 300 વધારાનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ટેકાના ભાવે પાક વેચવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તારીખ 02/10/2026 થી શરૂ થઈને 31/10/2026 સુધી ચાલશે. સમગ્ર રાજ્યમાં ખેડૂતો પોતાની સ્થાનિક ગ્રામ પંચાયત ખાતે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) મારફતે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, પાકની વાસ્તવિક ખરીદી તારીખ 16-11-2026 થી શરૂ કરવામાં આવશે અને જે તારીખ 15-01-2027 સુધી ચાલશે. ખેડૂત ખાતેદારોએ ખાસ નોંધ લેવી કે નોંધણી સમયે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત છે, જેના વગર રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ ગણાશે નહીં. નોંધણી કરાવવા માટે ખેડૂતોએ જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨ અને ૮-અ ની નકલ સાથે લાવવાની રહેશે. જો પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮-અ માં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કા વાળો વાવણીનો દાખલો રજૂ કરવો પડશે. આ ઉપરાંત ખેડૂતના નામના બેંક ખાતાની વિગત માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ પણ સાથે રાખવી અનિવાર્ય છે. ખેડૂતોએ સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી સમયમર્યાદામાં પોતાની નોંધણી કરાવી લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધણી કરાવેલ ખેડૂતોને પાકની ખરીદી અંગેની જાણકારી એસએમએસ (SMS) મારફતે આપવામાં આવશે.

ખરીદીના સમયે ખેડૂતોએ પોતાનું અસલ આધાર કાર્ડ અથવા ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે અને જથ્થો આપતી વખતે પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ સ્વીકૃતિ કરવામાં આવશે. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જો કોઈ ખોટા પુરાવા જણાઈ આવશે તો ખેડૂતનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. નોંધણી અથવા ખરીદી પ્રક્રિયા અંગે કોઈ પણ મૂંઝવણ કે મુશ્કેલી જણાય તો ખેડૂતો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અથવા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.