બંધ

કલા મહાકુંભ-૨૦૨૬ સ્પર્ધા માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

પ્રકાશિત તારીખ : 15/07/2026

કલા મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક આણંદ જિલ્લાના કલાકારો તા.૦૭/૦૮/૨૦૨૬ સુધી ફોર્મ ભરી શકશે

આણંદ, બુધવાર , રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુવર્ષે પણ કલામહાકુંભ-૨૦૨૬નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં વિવિધ વયજુથના સ્પર્ધક કલાકારો ૩૭ જેટલી કલાકૃત્તિઓમાં તાલુકા, જિલ્લા, પ્રદેશ તેમજ રાજ્યકક્ષાએથી શરૂ થતી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે.

શાળા, કલા સંસ્થા, કલા મંડળો, સાંસ્કૃતિક સંસ્થાઓ, કોલેજો માં અભ્યાસ કરતા તેમજ અભ્યાસ ન કરતા હોય તેવા કલાકાર ભાઈઓ-બહેનોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ઓફલાઇન કરવાનું રહેશે. આ સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપર એમ ચાર વયજુથમાં સ્પર્ધકો ભાગ લઈ રાકશે. ૬૦ વર્ષથી ઉપરના વયજુથની સ્પર્ધા ફક્ત વ્યક્તિગત કૃતિઓમાંજ સમાવેશ કરવામાં આવશે જે સીધી રાજ્યકક્ષાએથી યોજાશે.

કલામહાકુંભ-૨૦૨૬ માં વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમ(હળવું) વગેરે સ્પર્ધાઓ તાલુકાકક્ષાએથી શરૂ થશે. તેમજ કાવ્યલેખન, ગઝલ શાયરીલેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલ બેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની) વગેરે સ્પર્ધાઓ સીધી જિલ્લાકક્ષાએથી શરૂ થશે. જ્યારે સિતાર, ગિટાર, વાંસળી, વાયોલીન, કુચિપુડી, ઓડીસી, મોહિની અટ્ટમ એ સીધી પ્રદેશ કક્ષાએથી તથા પખાવજ, મૃદંગમ, રાવણહથ્યો, જોડીયાપાવા, સરોદ, સારંગી અને ભવાઈ વગેરે સ્પર્ધાઓ સીધી રાજ્યકક્ષાએથી યોજાશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ આણંદની બોરસદ ચોકડી પાસે આવેલ જુના જિલ્લા સેવા સદનના ત્રીજા માળે રૂમ નં. ૩૦૯ માં આવેલ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી મેળવી આધારકાર્ડ અને પાસબુકની પ્રથમ પાનાંની નકલ સાથે તારીખ ૦૭/૦૮/૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આણંદ ખાતે જમા કરાવી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ આ અંગે વધુ માહિતી મેળવવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આણંદનો સંપર્ક કરવાનો રહેશે તેમ આણંદના જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા એક યાદીમાં જણાવાયુ છે.