કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ
પ્રકાશિત તારીખ : 30/08/2025
આણંદના ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રીના સૂચનો કોર્પોરેશન ના વિકાસ માટે ખૂબ જ જરૂરી- કમિશનર શ્રી મિલિંદ બાપના
કોર્પોરેશન વિસ્તારમાં નલ સે જલ યોજના દ્વારા પીવાનું પાણી અને જે વિસ્તારમાં ગટર લાઈન નથી ત્યાં ગટર લાઈનનું કામ કરવા ખાસ રજૂઆત- ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ
આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી.
પ્રારંભમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણાએ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને સંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ ને આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં આવકાર્યા હતા.
આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ પરસ્પરનાં સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા આણંદના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્ય શ્રી દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો, કરેલ રજૂઆત તથા સૂચનોનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યુ હતું.
કમિશનર શ્રી મિલિંદ બાપનાએ ધારાસભ્યશ્રી અને સંસદ સભ્ય શ્રી ના સૂચનો પોઝિટિવ રીતે કોર્પોરેશન માટે સ્વીકાર્ય છે તેમ જણાવ્યું હતું.
કમિશનર શ્રી એ ફાયરની સત્તા આણંદ મહાનગરપાલિકાને મળે તે અંગેની કાર્યવાહી તાત્કાલિક કરવા માટે અધિકારીઓને જણાવ્યું હતું.
કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જીટોડીયા વિસ્તારની સોસાયટીઓ માં સ્ટ્રોમ વોટર પાણી ની લાઈન નાખ્યા બાદ નવા રસ્તાઓ બનાવવા માટે, જ્યાં જરૂર છે ત્યાં સીસી રોડ બનાવવા, બ્લોક નાખવા, કોર્પોરેશન વિસ્તારમાં નલ સે જલ યોજના દ્વારા પીવાનું પાણી આપવામાં આવે તે માટે અને જે વિસ્તારમાં હજી સુધી ગટર લાઈન પહોંચી નથી ત્યાં તાકીદે ગટર લાઈન પહોંચાડવામાં આવે, વલ્લભ વિદ્યાનગરમાં ભાઈ કાકા ચાર રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક નું ભારણ રહેતું હોવાથી ઓવરબ્રિજ ની જરૂરિયાત, રેલવે સ્ટેશનથી તુલસી ચાર રસ્તા રોડ ઉપર ટ્રાફિક નિયમન, જુના બસ સ્ટેન્ડ, મિનરવા ચોકડી વાળા રસ્તા ઉપર ટ્રાફિક ઓછો કરવા રસ્તાઓ વન વે કરવા, ભાલેજ ઓવરબ્રિજની બંને બાજુએ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા અને અકસ્માત ઝોન હોવાથી ટ્રાફિક પોલીસ પોઇન્ટ મૂકવા, રખડતા ઢોર નિયમિત પકડીને પાંજરાપોળ મોકલવા, અમીના મંજિલ વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ નાળાનું કામ ઝડપી કરવા જેવા ૧૦ જેટલા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
આ તબક્કે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે કોર્પોરેશન દ્વારા સ્ટ્રોમ વોટર લાઈન પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત વરસાદ પડે તે પહેલા સફાઈ કરાવવાથી ભારે વરસાદ આવવા છતાં પણ પાણી ટૂંક સમયમાં જ નીકળી જાય છે, અને લોકોને તકલીફ પડતી નથી, તેવી કામગીરી કરવા બદલ કોર્પોરેશનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણા, શ્રી એસ.કે ગરવાલ, કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી સહિત ફોરેસ્ટ, પોલીસ, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, જમીન માપણી, ફાયર વિભાગના અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ
