બંધ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે વિવિધ સ્થળોએ ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન

પ્રકાશિત તારીખ : 15/06/2026

સરકારી યોજનાઓની માહિતી અને જરૂરી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા તંત્રનો મહત્વપૂર્ણ નિર્ણય

વિવિધ સરકારી વિભાગોના સમન્વય સાથે આણંદના ત્રણ મુખ્ય વિસ્તારોમાં જન કલ્યાણ શિબિર યોજાશે

તારીખ 15 જૂનના રોજ આણંદ ટાઉનહોલ ખાતે, 16 જૂન ના રોજ ગણેશ ચોકડી યુસીડી વિભાગ ખાતે અને 19 જૂનના રોજ લાંભવેલ પટેલ વાડી ખાતે કાર્યક્રમ યોજાશે

આણંદ, શુક્રવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ જૂન મહિનામાં આણંદ શહેર અને આસપાસના વિસ્તારોના નાગરિકો માટે ‘જન કલ્યાણ શિબિર’નું વિશેષ આયોજન તા.૧૫ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન કરવામાં આવ્યું છે.

આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા સુધી વિવિધ સરકારી યોજનાઓના લાભો સીધા અને સરળ રીતે પહોંચાડવાનો છે, જેથી વધુમાં વધુ લોકો યોજનાકીય માહિતી મેળવી શકે અને તેનો લાભ લઈ શકે.

આ શિબિર આગામી ૧૫ જૂન, ૨૦૨૬ના રોજ આણંદના ટાઉન હોલ ખાતે પ્રથમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ૧૬ જૂન, ૨૦૨૬ના રોજ ગણેશ ચોકડી સ્થિત કરમસદ આણંદ મહાનગરપાલિકાના યુસીડી (UCD) વિભાગ ખાતે અને ત્રીજી શિબિર ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ લાંભવેલની પટેલ વાડી ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી નાગરિકો માટે સેવાઓ ઉપલબ્ધ રહેશે, જેમાં સ્થાનિક રહીશોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

નાગરિકોને વ્યાપક સુવિધા મળી રહે તે હેતુથી આ જન કલ્યાણ શિબિરમાં જિલ્લા આરોગ્ય વિભાગ, એમજીવીસીએલ (MGVCL), અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ જોડાશે. આ તમામ વિભાગો શિબિર દરમિયાન યોજનાઓને લગતા જરૂરી ફોર્મ્સ, માર્ગદર્શિકા પુસ્તિકાઓ  સાથે ઉપસ્થિત રહેશે. મહાનગરપાલિકા દ્વારા આ જન કલ્યાણ શિબિરને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનરે વિવિધ વિભાગીય વડાઓને શિબિરમાં બિનચૂક હાજર રહી પ્રજાલક્ષી કામગીરી કરવા તાકીદ કરી છે.

આ શિબિરના માધ્યમથી નગરજનો સુધી કલ્યાણકારી યોજનાઓની જાણકારી પૂરી પાડવામાં આવશે.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના રહેવાસીઓને આ શિબિરનો મહત્તમ લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.