બંધ

ઓબેસીટી ફ્રી ઈન્ડિયા:ઈટ બ્રેકફર્સ્ટ લાઈક અ કિંગ, લંચ લાઈક અ પ્રિન્સ, ડિનર લાઈક અ પુઅર

પ્રકાશિત તારીખ : 20/05/2025

આણંદ,મંગળવાર: ભારતમાં ઓબેસિટી વધી રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ઓબેસિટી સામે કેમ્પેઈન શરૂ કર્યું છે અને લોકોને તેલ સહિત ચરબીયુક્ત પદાર્થો ભોજનમાં ઓછા કરવાની સલાહ પણ આપી હતી.

જમવા વિશે આપણે ત્યાં કહેવત છે કે, “સવારનું ભાણું રાજાઓ જેવું, બપોરનું ભોજન મધ્યમવર્ગ જેવું અને રાતનું ખાણું ગરીબો જેવું.”  અંગ્રેજીમાં આવું કહેવાય છે :”ઈટ બ્રેકફર્સ્ટ લાઈક અ કિંગ, લંચ લાઈક અ પ્રિન્સ, ડિનર લાઈક અ પુઅર…

આ કહેવત વડવાઓએ કોઠાસૂઝથી બનાવી હતી, પરંતુ એમાં સાયન્સના સૂત્રની ઝલક જોવા મળે છે. આજે ડાયટ માટે ડૉક્ટર લોકો આ વાતને જરા જુદી રીતે કહે છે: સવારે અનેક વાનગીઓ ભરપેટ આરોગો. એમાં સુકો મેવોય હોય ને ગાંઠિયા-જલેબી પણ ભલે હોય, ભાખરી હોય ને દૂધ પણ હોય. આજેય સવારે ગામડાંમાં ખેડૂત ખેતરે જાય કે મજૂર કામે જાય એ પહેલાં ભરપેટ રોટલો-રોટલી, બે પ્રકારના શાક જમે ને ઉપરથી છાશનો લોટો પી જાય. નાસ્તાની ‘સિસ્ટમ’ તો શહેરની છે. ગામડાંમાં ઉઠીને જ મહેનત કરવાની હોય એટલે એ પ્રમાણે જ ભોજન કરવું પડે.

તે જ રીતે બપોરનું ભોજનમાં એકદમ સાત્વિક આહારનો સમાવેશ કરવો જોઈએ. બહુ તેલથી લથબથ પણ નહીં અને સાવ બાફેલું પણ નહીં – સપ્રમાણ ભોજન. જેમાં ઠીક-ઠીક તેલમાં વખારેલી દાળ હોય, થોડા ભાત હોય, આછી રોટલી હોય અને લીલોતરી-કઠોળનું શાક હોય. જમી લીધા પછી પેટની ઠંડક માટે ઠંડી છાશ હોય.

રાતનું ભોજન એકદમ સાદું અને ઓછું ભોજન. એટલે કે,શાક-ખીચડી, દાળ-ખીચડી, વઘારેલાં ભાત કે એવું કશુંક સાદું ભોજન.

આ કહેવત સાથે સંમત થતાં આધુનિક વિજ્ઞાન કહે છે કે, રાત્રે શક્ય એટલું ઓછું જમો. દિવસભરની પ્રવૃત્તિ પછી રાત્રે જમ્યા પછી ખાસ પ્રવૃત્તિ કરવાની હોતી નથી. મોડેથી જમ્યા પછી સૂઈ જવાનું થાય તો ખોરાક પચતો નથી અને શરીરમાં બિનજરૂરી ચરબીના થર બને છે.

ટૂંકમાં, ઓબેસિટીથી મુક્ત રહેવા માટે રસ્તો એક જ છે – ઈટ બ્રેકફર્સ્ટ લાઈક અ કિંગ, લંચ લાઈક અ પ્રિન્સ, ડિનર લાઈક અ પુઅર!