ઓડ અને સાવલી નગરપાલિકા વિસ્તારમાં માર્ગ દુરસ્તીકરણનું નિરીક્ષણ કરતા પ્રાદેશિક નગરપાલિકા નિયામક
પ્રકાશિત તારીખ : 01/08/2025
નગરપાલિકાઓના સિવિક સેન્ટરની મુલાકાત અને વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેવા કાર્યોનું જાત નિરીક્ષણ કરતા શ્રી સુરભિ ગૌતમ.
આણંદ, ગુરૂવાર: પ્રાદેશિક નગરપાલિકા નિયામક-વડોદરા ઝોન હસ્તકના ૬ જિલ્લાની ૨૫ નગરપાલિકામાં હાલ ચોમાસાના કારણે રોડ-રસ્તાને થયેલ નુકસાન તથા ખાડાના રિપેરીંગની કામગીરી રાત દિવસ સઘન રીતે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેનું ઉચ્ચ અધિકારી દ્વારા સઘન રીતે દેખરેખ રાખવામાં આવી રહ્યું છે, ત્યારે માર્ગ મરામતની કામગીરી સત્વરે અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત થાય તે દેખરેખ રાખવામાં આવી રહી છે.
બુધવારે ઓડ નગરપાલિકા ખાતે પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરભિ ગૌતમ, અધિક કલેક્ટરશ્રી મેહુલ પંડ્યા, કાર્યપાલક ઈજનેરશ્રી અમિત પટેલ, સંબંધિત ચીફ ઓફિસરશ્રી તેમજ કર્મચારીઓની ટેકનિકલ ટીમ દ્વારા નગરપાલિકાના કામોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જેમાં ઓડ નગરપાલિકા વિસ્તારના સૂર્યાગેટથી કુમારશાળા સુધીના રોડ ઉપરના ખાડાઓ પુરવા માટે એસ.ઓ.પી. આધારિત રોડ રીસફેસિંગના કામો, પાકા પેચવર્કના કામો તેમજ અમૃત-૨.૦ યોજનામાં વિજાસર તળાવ ડેવલોપમેન્ટ એન્ડ બ્યુટીફીકેશનના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
સાવલી નગરપાલિકા વિસ્તારના ભાતપુરા તળાવ પાસે આવેલ લેગસી વેસ્ટની સાઇટ પર પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવા માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સરદાર પટેલ સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ થઈ લાઇબ્રેરી ચોક સુધીના રોડ ઉપરના ખાડાઓ પુરવા માટે એસ.ઓ.પી.
આધારિત રોડ રીસફેસિંગના કામો, પાકા પેચવર્કના કામો તથા માય થેલી પ્રોજેકટ તેમજ સીટી સિવિક સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું, તદ્દઉપરાંત નવીન નગરપાલિકા કચેરી બનાવવા માટે તેમજ નગરપાલિકાના વિવિધ વિકાસના કામો અન્વયે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વાહન ચાલકો તથા રાહદારીઓને માર્ગોની માળખાકીય સુવિધાઓનો લાભ મળે અને નાગરીકોને કોઈ અગવડ ના પડે તે ધ્યેય સાથે રાજ્ય સરકારના દિશા નિર્દેશ પ્રમાણે રોડ રસ્તાની રીપેરીંગની કામગીરી માટે પ્રો એક્ટિવ અભિગમ અપનાવવા તથા રોડ-રસ્તા, ખાડા બાબતે આવતી ફરિયાદનું એક જ દિવસમાં અસરકારક રીતે હકારાત્મક નિકાલ થાય તેવી નગરપાલિકાના તંત્રને સૂચના આપવામાં આવી હતી.

ઓડ અને સાવલી નગરપાલિકા વિસ્તારમાં માર્ગ દુરસ્તીકરણનું નિરીક્ષણ કરતા પ્રાદેશિક નગરપાલિકા નિયામક