આરોગ્ય વિભાગ દ્વારા સમયસર અને વિનામૂલ્યે સારવાર મળતા મારા દીકરાને નવજીવન મળ્યું અને હું આર્થિક સંકડામણનો શિકાર બનતા બચી ગયો : આકાશભાઈ ગોહેલ
પ્રકાશિત તારીખ : 03/05/2025
આર.બી. એસ. કે. ના ડોક્ટરની માનવતા અને લાગણીભર્યા કાર્યના લીધે નાનકડા હિમાંશુને મળ્યું નવજીવન.
આણંદ, શુક્રવાર: ’’એક મહિના સુધી ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવા છતાં મારો દિકરો સ્વસ્થ ન થયો, પરંતુ બોરસદ તાલુકાના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાપામાં ગણતરીના દિવસોમાં વિનામૂલ્યે સારવાર થઈને હાલ તે સંપૂર્ણ સ્વસ્થ છે… આ શબ્દો છે, ૯ માસના હિમાંશુના પિતા આકાશભાઈ ગોહેલના.
વાત એમ છે કે, નાનકડા હિમાંશુને શ્વાસનળીના ચેપ સહીત કુપોષણ તથા એનિમિયાની બીમારીની સારવાર માટે તેના પિતા આકાશભાઈ આણંદની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં એક મહિનો સુધી હિમાંશુની સારવાર ચાલી હતી તથા આઈ.સી.યુ. માં દાખલ પણ કરવામાં આવ્યો હતો. આમ, વધારે સમય દરમ્યાન ખાનગી હોસ્પીટલમાં સારવાર ચાલતા પિતા આકાશભાઈ પાસે આર્થિક રીતે “એક સાંધો ત્યા તેર ટૂટે” તેવા કપરા સંજોગો ઉભા થયા.
આકાશભાઈએ ગમે તેમ કરીને પૈસા એકઠા કરીને સારવાર કરાવીને દીકરો શારીરિક રીતે સ્વસ્થ બને તેવી આશા સેવીને બેઠા હતા. પરંતુ ખાનગી હોસ્પીટલ ઉપર અશોકભાઈએ રાખેલી આશા નિરાશામાં પરિવર્તીત થઈ હતી. કારણ કે આર્થીક રીતે ન પરવડે તેવી એક મહિનાની લાંબી સારવાર લેવા છતાં દીકરા માટે જૈસે થે ની સ્થિતિ જ નિર્માણ થઈ રહી હતી. એટલે ન છૂટકે નાનકડા હિમાંશુને ઘરે પરત લાવવામાં આવ્યો.
આ સમયે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડોક્ટર ક્રિષ્નાબેન ઠક્કરના ધ્યાને આવ્યું હતું કે આ નાનકડું બાળક બીમાર છે, તેથી તેમણે તાત્કાલિક આકાશભાઈના ઘરની મુલાકાત લઇ હિમાંશુની તબિયત બાબતે પૃચ્છા કરી આકાશભાઈને સાંત્વના પાઠવી કે કંઈ પણ ચિંતા કરતા નહીં છોકરાને સારું થઈ જશે હું દરરોજ નિયમિત મુલાકાત લઈશ અને એને જે કઈ દવા કરવાની થશે તે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવશે અને તે પણ વિનામૂલ્યે.
આ વાત સાંભળીને આકાશભાઇને થોડીક રાહત થઈ હતી. ત્યારબાદ તેમણે સંપૂર્ણ ભરોસો આરબીએસકે ટીમના ડોક્ટર અને નાપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને સ્ટાફ ઉપર મૂક્યો હતો.
ડો. ક્રિષ્ના ઠક્કરે હિમાંશુની પ્રાથમિક સારવાર તેમના ઘરેથી જ શરૂ કરી. ત્યારબાદ વધારે સારવાર માટે હિમાંશુને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાપામાં જ દાખલ કરવામાં આવ્યો. એક સમયે આ નાનકડા બાળકનું ઓક્સિજન લેવલ ૭૬ થઈ ગયું હતું.
નાપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. આલોક મીના અને તેમની ટીમ તથા આરબીએસકે ના ડો. ક્રિષ્ના ઠક્કરની સારવાર ધીમે ધીમે રંગ લાવી રહી હતી. સારવાર બાદ હિમાંશુનું ઓક્સિજન લેવલ ૯૮ તથા વજન ૩.૨ કિ.ગ્રા જેટલું થયું હતું. ક્રમશ: રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત આરોગ્યની ટીમ વખતો વખત હિમાંશુના આરોગ્યની દરકાર લેતા તે સંપૂર્ણ સ્વસ્થ બન્યો હતો. આ સમય દરમિયાન હિમાંશુના માતા પિતાને ડોક્ટર ની ટીમ દ્વારા પોષણક્ષમ આહારની સમજણ આપી તે મુજબ તેઓએ હિમાંશુને આહાર આપતા હિમાંશુનું વજન વધીને લગભગ ૪ કિ.ગ્રા જેટલું થયું છે.
આમ, હિમાંશુના પિતા આકાશભાઈ રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગના ડોક્ટર અને સ્ટાફ તરફથી મળેલ સેવા-સુશ્રૂષાનો દિલથી આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે, મારા દીકરાને સમયસર અને વિનામૂલ્યે સારવાર મળતા તેને નવજીવન મળ્યું અને હું આર્થિક સંકડામણનો શિકાર બનતા રહી ગયો છું.
