બંધ

આણંદ જિલ્લામાં ૧૦ ઓગસ્ટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી: ૬.૩૦ લાખ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવાશે

પ્રકાશિત તારીખ : 10/08/2026

બાળકોમાં પાંડુરોગ અટકાવવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક આયોજન; ૧૭ ઓગસ્ટે મોપ-અપ રાઉન્ડ યોજાશે

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના બાળકોના સર્વાંગી સ્વાસ્થ્ય અને પોષણ સ્તરને સુધારવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧૦ ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ ‘નેશનલ ડી-વોર્મિંગ ડે’ એટલે કે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે.

આ અભિયાન હેઠળ જિલ્લાના અંદાજિત ૬.૩૦ લાખ બાળકોને કૃમિ નિયંત્રણ માટેની ગોળીઓ ખવડાવવાનું  લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. જે બાળકો કોઈ કારણસર તા. ૧૦ ઓગષ્ટના રોજ આ દવાનો લાભ લેવાથી વંચિત રહી જશે, તેઓ માટે તા. ૧૭ ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ ‘મોપ-અપ રાઉન્ડ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેથી જિલ્લાનો એક પણ બાળક આ સુરક્ષા ચક્રથી બાકી ન રહે.

કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો અંગે જાગૃતિ ફેલાવતા આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, જો બાળકને કૃમિનો ચેપ લાગે તો તેના શરીરમાં આયર્નની ઉણપ સર્જાય છે, જે અંતે પાંડુરોગ (એનિમિયા) માં પરિણમે છે. બાળકોને નિયમિતપણે કૃમિનાશક દવા આપવામાં આવે તો તેમનામાં પાંડુરોગનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે અને તેમના જીવનધોરણની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં એમ વર્ષમાં કુલ બે વાર ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક ગોળીઓ આપવાનું આયોજન સુનિશ્ચિત કરવામાં આવે છે.

ઓગસ્ટ માસના આ અભિયાનને સફળ બનાવવા માટે આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સુવ્યવસ્થિત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ આંગણવાડીઓ, સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં નોંધાયેલા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત, શાળાએ ન જતા કે ન નોંધાયેલા બાળકોને પણ આ અભિયાનનો લાભ મળે તે હેતુથી આશા બહેનો, આંગણવાડી વર્કર અને ફીમેલ હેલ્થ વર્કર દ્વારા પાયાના સ્તરે કામગીરી કરવામાં આવશે.

આ સમગ્ર જન આરોગ્ય અભિયાનમાં વિવિધ વિભાગો આરોગ્ય શાખા, આઈ.સી.ડી.એસ. શાખા અને શિક્ષણ શાખાના સંકલનથી તમામ આંગણવાડી વર્કર, આશા બહેનો, ફીમેલ હેલ્થ વર્કર, એમ.પી.એચ.ડબલ્યુ., સી.એચ.ઓ. (CHO) તેમજ આર.બી.એસ.કે. (RBSK) ડોક્ટર અને મેડિકલ ઓફિસરો દ્વારા આ સઘન કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

આ સમગ્ર કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલ દ્વારા સમગ્ર જિલ્લામાં પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેથી જિલ્લાના બાળકોને કૃમિ મુક્ત બનાવી એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ કરી શકાય.