બંધ

આણંદ જિલ્લામાં યોજાનાર CUET-GP પરીક્ષાને અનુલક્ષીને જાહેર કરાયેલ પ્રતિબંધો તા.૩૧ માર્ચ સુધી અમલી રહેશે

પ્રકાશિત તારીખ : 23/03/2026

આણંદ, શુક્રવાર : આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ આગામી તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી નવી દિલ્હી દ્વારા યોજાનાર Common University Entrance Test-Post Graduation (CUET-GP)-2026 ની પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષા સમયગાળા દરમિયાન કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લામાં દર્શ ઈન્ફોટેક, ૩૦૭ થી ૩૧૪, ત્રીજો માળ, સિગ્મા કોમ્પ્લેક્ષ, સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે, ડિમાર્ટની ઉપર, વલ્લભ વિદ્યાનગર ખાતેના પરીક્ષા કેન્દ્ર પર સુચારૂ અને નિષ્પક્ષ સંચાલનમાં પરીક્ષા યોજાય તેમજ પરીક્ષા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તા.૩૧/૦૩/૨૦૨૬ સુધી કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

જે અન્વયે પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઇપણ બિનઅધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યશ્રીઓ કે હોદ્દેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાના દિવસે અને સમય દરમ્યાન પ્રવેશ કરી શકશે નહી.

આ જાહેરનામા મુજબ પરીક્ષાના દિવસ દરમિયાન સવારના ૦૮-૦૦ થી સાંજના ૧૮-૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની કમ્પાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે, ફોટોકોપી સેન્ટર બંધ રાખવા તેમજ પરીક્ષાના કેન્દ્રોમાં પરીક્ષાર્થી તેમજ સરકારી પ્રતિનિધિ સિવાયના પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારી મોબાઇલ ફોન કે ઇલેકટ્રોનિક માધ્યમથી સંદેશાવ્યવહાર કે રેર્કોડીંગ થઇ શકે તેવા કોઇપણ પ્રકારના ઉપકરણો સાથે લઇ પરીક્ષા બિલ્ડિંગમાં પ્રવેશ ન કરવા ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં જાહેરમાં લાઉડસ્પીકર કે મ્યુઝિક બેન્ડ કે ડી.જે.મ્યુઝિક સીસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવા પણ જણાવાયું છે. વધુમાં પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત ચાર કરતાં વધારે માણસોના ભેગા થવા તથા ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીશ્રીઓ અને પરીક્ષા કેન્દ્ર નજીક પર મુકેલા સલામતી કર્મચારીઓ તથા પરીક્ષાની ફરજોનો હવાલો સંભાળતા અધિકારીઓ તેમની વિધિસરની ફરજો દરમ્યાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે.

આ જાહેરનામું Common University Entrance Test-Post Graduation (CUET-GP)-2026 પરીક્ષા માટેના કેન્દ્ર ઉપર લાગુ પડશે, તેમજ આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમ કાયદાની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.