આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ‘રેડ એલર્ટ’ : કલેકટરે વહીવટી તંત્રને સજ્જ રહેવા આદેશ આપ્યા
પ્રકાશિત તારીખ : 30/07/2026
મહી અને સાબરમતી નદીના કાંઠાના ૩૯ ગામોને સાવચેત કરાયા; જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓ રદ
આણંદ જિલ્લામાં સંભવિત આફતને પહોંચી વળવા આશ્રય સ્થાનો તૈયાર : નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ
આણંદ, ગુરૂવાર, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આણંદ જિલ્લા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે જિલ્લા કલેકટરશ્રીએ સમગ્ર વહીવટી તંત્રને ‘રેડ એલર્ટ’ મોડ પર રહેવા સૂચના આપી છે. મહી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી જિલ્લાના તમામ હિતધારકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સાથે તાકીદની રિવ્યુ મીટિંગ યોજીને આગોતરા આયોજન કરવામાં આવ્યું છે.
કલેકટરશ્રીએ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ સૂચનાઓ આપી દેવા અને આશ્રય સ્થાનો તૈયાર રાખવા મામલતદાર અને ટીડીઓને આદેશ આપ્યા છે. મહી નદીના કાંઠાના ૨૬ ગામો અને સાબરમતી નદીના કાંઠાના ૧૩ ગામો મળી કુલ ૩૯ ગામો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ગામોમાં લગાવવામાં આવેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાયરનનું આજે સાંજે ટેસ્ટિંગ પણ કરવામાં આવશે, જેથી કટોકટીના સમયે લોકોને ચેતવી શકાય.
પશુપાલકો અને ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો છે કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા પશુઓને બાંધી રાખવાને બદલે છૂટા રાખવા, જેથી પાણી ભરાવવાની સ્થિતિમાં તેઓ પોતાનો બચાવ કરી શકે. આ ઉપરાંત, વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી હોવાથી, લોકોને નમી ગયેલા મોટા ઝાડ, મોટા હોર્ડિંગ્સ કે જર્જરિત (અનસ્ટેબલ) મકાનોથી દૂર રહેવા કલેકટરશ્રીએ ખાસ અપીલ કરી છે. નદી, તળાવ કે અન્ય જળાશયો પાસે ન જવા માટે પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપનને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ ક્લાસ-૧ લાઈઝન ઓફિસરોને તાલુકા મથકે હાજર રહેવા જણાવાયું છે અને તમામ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આવતીકાલે જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ અને કોલેજોમાં રજા રાખવા અંગેનો આખરી નિર્ણય આજે સાંજે હવામાનની પરિસ્થિતિ અને હવામાન વિભાગની સૂચનાઓને ધ્યાને રાખીને લેવામાં આવશે.
જિલ્લા કલેકટરશ્રીએ તમામ નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને “સતર્ક રહીએ, સુરક્ષિત રહીએ” ના મંત્ર સાથે સાવધ રહેવા વિનંતી કરી છે.