આણંદ જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવની પૂર્ણાહુતિ: દાતાઓએ રૂ.3.55 કરોડથી વધુનું માતબર દાન રોકડ અને વસ્તુ સ્વરૂપમાં આપ્યું
પ્રકાશિત તારીખ : 29/06/2026
શિક્ષણના મહાપર્વે જનભાગીદારીનો અનોખો સંગમ: આણંદ જિલ્લાની 1258 શાળાઓમાં હર્ષોલ્લાસ સાથે બાળકોને આવકારાયા
કન્યા કેળવણી મહોત્સવ હેઠળ જિલ્લાના 08 તાલુકાઓમાં રોકડ અને વસ્તુ સ્વરૂપે શિક્ષણરથને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં ૧૭,૦૪૯ બાળકો અને ધોરણ-૧ માં ૯૧૪ નવા વિદ્યાર્થીઓનું થયું નામાંકન
આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન યોજાયેલ ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬’ ની ભવ્ય ફળશ્રુતિ સાથે પૂર્ણાહુતિ થઈ છે.
આ ત્રણ દિવસીય અભિયાન દરમિયાન સમગ્ર જિલ્લામાં જનભાગીદારીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષણના આ યજ્ઞમાં જિલ્લાના ઉદારદિલ દાતાઓએ ખુલ્લા હાથે ફાળો આપતા કુલ ૩,૫૫,૮૭,૪૨૭ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે. આ માતબર રકમમાં ૯૪,૯૦,૪૭૧ રૂપિયા રોકડ સ્વરૂપે અને ૨,૬૦,૯૬,૯૫૬ રૂપિયાની કિંમતની વિવિધ શૈક્ષણિક વસ્તુઓ અને સાધન-સામગ્રી ભેટ સ્વરૂપે પ્રાપ્ત થઈ છે, જે જિલ્લાના શૈક્ષણિક સ્તરને વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
શાળા પ્રવેશોત્સવના ત્રિ-દિવસીય કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લાના આઠ તાલુકાઓની કુલ ૧૦૧૦ પ્રાથમિક અને ૨૪૮ માધ્યમિક શાળાઓ મળી કુલ ૧૨૫૮ શાળાઓમાં નવા આગંતુક બાળકોનો પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકામાં ૧૭,૦૪૯ બાળકો અને ધોરણ-૧ માં ૯૧૪ નવા વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક સ્તરે પણ નોંધપાત્ર સંખ્યામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ધોરણ-૯ માં ૨૮,૨૭૮ અને ધોરણ-૧૧ માં ૧૬,૦૩૩ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં એસ.એમ.સી અને એસ.એમ.ડી.સી ના સભ્યોએ સક્રિય હાજરી આપીને ગ્રામીણ સ્તરે શિક્ષણ પ્રત્યેની જાગૃતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જિલ્લાના ૩૬૨ ગામોમાં ૩૩૫ જેટલા મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓએ વ્યક્તિગત મુલાકાત લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ અભિયાન અંતર્ગત કન્યા શિક્ષણને વેગ આપવા માટે ૨૨૭ જેટલી તેજસ્વી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયારૂપ બનશે. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની સુલભતા વધારવા માટે ૬૮ જેટલી શાળાઓમાં પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) સુવિધાની પણ શરૂઆત કરવામાં આવી છે, જેથી અંતરિયાળ વિસ્તારના બાળકો કોઈપણ અવરોધ વિના શિક્ષણ મેળવી શકે. ‘બેક ટુ સ્કૂલ’ સર્વે મુજબ પણ જિલ્લામાં ૪,૫૯૮ બાળકોનું નામાંકન કરવામાં સફળતા મળી છે.
આણંદ તાલુકામાં સૌથી વધુ ૯૭.૫૪ લાખ રૂપિયાનું લોકસહકાર દ્વારા રોકડ અને વસ્તુ સ્વરૂપે દાન પ્રાપ્ત થયું છે, જ્યારે પેટલાદ અને બોરસદ તાલુકાઓમાં પણ દાતાઓએ લાખો રૂપિયાની સખાવત કરી છે.
પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરોમાં ૯,૭૧૮ બાળકોનું નામાંકન થયું છે, જે પાયાના શિક્ષણ પ્રત્યેની વાલીઓની સજ્જતા દર્શાવે છે.
આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગના સઘન પ્રયાસો અને સમાજના શ્રેષ્ઠીઓના સહયોગથી આ વર્ષનો શાળા પ્રવેશોત્સવ એક સાચા અર્થમાં લોકઉત્સવ સાબિત થયો છે.