આણંદ જિલ્લામાં કલા મહાકુંભ યોજાશે
પ્રકાશિત તારીખ : 25/06/2025
ભાગ લેવા ઇચ્છુકોએ તા.૨૦ જુલાઇ સુધીમાં અરજી કરવાની રહેશે.
આણંદ, મંગળવાર: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર અંતર્ગતના કમિશ્નરશ્રી, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-આણંદ દ્વારા સંચાલિત રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ-અલગ વય જૂથના કલાપ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરુ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથીકલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામા આવનાર છે.
આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કલા કૃતિઓ કુલ ચાર વય જૂથ ૦૬ થી ૧૪ વર્ષ , ૧૫ થી ૨૦ વર્ષ , ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વય જૂથમાં સ્પર્ધા યોજાશે.
તાલુકા કક્ષાએ કુલ ૧૪ કૃતિ જેવી કે વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, તબલા હાર્મોનિયમ (હળવું) યોજાશે.
જિલ્લા કક્ષાએ કુલ ૦૯ કૃતિ કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલ બેન્ડ, ઓર્ગન, કથ્થક,શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) યોજાશે.
પ્રદેશ કક્ષાએ કુલ ૦૭ કૃતિ સિતાર, ગીટાર, વાંસળી, વાયોલિન, કુચિપુડી, ઓડિસી, મોહિની અટ્ટમ તેમજ રાજ્ય કક્ષાએ કુલ ૦૭ કૃતિ પખાવજ, મૃદંગમ,રાવણ હથ્થો, જોડિયા પાવા, સરોદ, સારંગી અને ભવાઇ વગેરે કૃતિઓની સ્પર્ધાઓ યોજાશે.
આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ યોજાનાર ૧૪ કૃતિઓના, સીધી જિલ્લા કક્ષાએ યોજાનાર ૦૯ કૃતિઓ તથા સીધી પ્રદેશ કક્ષાએ યોજાનાર ૦૭ કૃતિઓ અને સીધી રાજ્યકક્ષાએ યોજાનાર ૦૭ કૃતિઓની એન્ટ્રી માટે જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નંબર ૩૦૯ ,ત્રીજો માળ, જુના જિલ્લા સેવાસદન, બોરસદ ચોકડી પાસે, આણંદ ખાતેથી તા.૨૦/૦૭/૨૦૨૫ સુધીમાં ફોર્મ મેળવી સંપૂર્ણ વિગત ભરી આધારકાર્ડ બેંકપાસ બુકની પ્રથમ પાનાની નકલ જોડી સમય મર્યાદામાં અરજી ફોર્મ મોકલી આપવાની રહેશે.
વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આણંદનો સંપર્ક કરવાનો રહેશે.