• સોસીયલ મીડિયા લિંક્સ
  • Site Map
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

આણંદ જિલ્લામાં ઉજવાશે બાળકના સર્વાંગી વિકાસનો ઉત્સવ

પ્રકાશિત તારીખ : 26/06/2025

તા.૨૬ થી  તા. ૨૮ જૂન દરમિયાન આણંદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ.

કાર્યક્રમ યોજાશે.

બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૪૦૨૬૨ કુમાર અને ૩૮૦૯૮ કન્યાઓ સહિત કુલ- ૭૮૩૬૦ વિદ્યાર્થીઓનો કરાવશે શાળા પ્રવેશ.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન યોજાયેલ કન્યા કેળવણી મહોત્સવમાં લોક સહકાર થકી દાન મેળવવામાં આણંદ જીલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રેસર.

અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ૩૫૮ જેટલા બાળકોને ૪૫ દિવસમાં જ શાળામાં પુન : પ્રવેશ આપવામાં આવ્યો.

આણંદ, બુધવાર: આણંદ જિલ્લામાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૩૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે કન્યા કેળવણી મહોત્સવ – શાળા પ્રવેશોત્સવ  કાર્યક્રમ યોજાશે.

શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિના પ્રમુખશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આ કાર્યક્રમ દરમિયાન ૧૦૦ ટકા બાળકોનું નામાંકન થાય તે મુજબનું આયોજન કરવા અનુરોધ કર્યો છે, આ ઉપરાંત શાળામાં પ્રવેશ લેનાર કોઈપણ બાળક અધવચ્ચેથી શાળા છોડી ન જાય તે જોવા પણ તેમણે જણાવ્યું છે.

કલેકટરશ્રીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોને ઉમળકાભેર શાળામાં પ્રવેશ આપવાની સાથે તેમને દફતર, પાટી, પેન આપી શાળા પ્રવેશ કરાવી આ કાર્યક્રમ બાળકના સર્વાંગી વિકાસનો ઉત્સવ બની રહે તે જોવા પણ અનુરોધ કર્યો છે.

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના પદાધિકારીઓ તથા ગાંધીનગરથી આવનાર અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બાળકોને શાળા પ્રવેશ કરાવી વિવિધ શાળાની મુલાકાત લઈને શાળામાં વિદ્યાર્થીઓની અભ્યાસકીય પ્રવૃતિઓ તથા શાળાની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત મહાનુભાવો શાળા પરિસરની મુલાકાત લઇ એસએમસી, એસએમડીસી અને શાળા સંચાલક મંડળ સાથે પણ બેઠક કરશે અને મહાનુભાવોના હસ્તે શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ – શાળા પ્રવેશોત્સવ  કાર્યક્રમ દરમિયાન બાલવાટિકા, ધોરણ- ૧, ધોરણ – ૯ અને ધોરણ ૧૧ માં ૪૦૨૬૨ કુમાર અને ૩૮૦૯૮ કન્યાઓ સહિત કુલ – ૭૮૩૬૦ જેટલા બાળકોને પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ  શાળા પ્રવેશ કરાવશે, જેમાં ૧૯૪ દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે.

આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવોના ૧૧૦ જેટલા રૂટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ૯૮૮ પ્રાથમિક શાળાઓ, ૧૫ સરકારી માધ્યમિક શાળાઓ અને ૨૨૩ જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.

નોંધનીય છે કે, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં અમલમાં મૂકવામાં આવેલ ‘‘એક કદમ શાળા તરફ’’ પ્રોજેક્ટ અંતર્ગત અધવચ્ચેથી શાળા છોડી ગયેલા બાળકોને શોધીને તેઓના ઘરની મુલાકાત લઈ બાળકો અને વાલીઓનું કાઉન્સિલિંગ કરી બાળકોને પુનઃ શાળામાં ભણવા આવે તે માટે સમજાવવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અધવચ્ચેથી શાળા છોડી ગયેલા ૩૫૮ જેટલા બાળકોને ૪૫ દિવસમાં જ શાળામાં પુન: પ્રવેશ આપવામાં આવ્યો છે.

આણંદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન યોજાયેલ આ કન્યા કેળવણી મહોત્સવમાં લોક સહકાર થકી રોકડ અને વસ્તુ સ્વરૂપે દાન મેળવવામાં આણંદ જીલ્લો સમગ્ર રાજ્યમાં અગ્રેસર રહ્યો છે, તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું છે.