આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓ માટે ૨૦ ઓગસ્ટથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ થશે
પ્રકાશિત તારીખ : 20/08/2026
બાગાયત વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ૩૧ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતા અને આ ક્ષેત્રે નવો પ્રારંભ કરવા માંગતા ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે તા.૨૦/૦૮/૨૦૨૬ થી ૩૧/૦૮/૨૦૨૬ સુધી આઈ-ખેડૂત (I-khedut) પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકશે.
આ યોજનાઓ હેઠળ બાગાયત ક્ષેત્રે આધુનિકીકરણ લાવવા માટે વિવિધ મહત્વના ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે નવી ટિશ્યુ કલ્ચર લેબની સ્થાપના માટેની સહાય, નેટ હાઉસ તેમજ એગ્રો ટેક્ષટાઈલ નેટ હાઉસના નિર્માણ માટેની આર્થિક મદદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બાગાયતી પાકો માટે ‘પ્રોડક્શન ઓફ ક્વોલિટી સીડ્સ એન્ડ મટીરીયલ’ (Production of quality Seeds and Material) અંતર્ગત હેન્ડલિંગ, પ્રોસેસિંગ, પેકિંગ અને સ્ટોરેજ જેવી માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે પણ સરકાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં બાગાયતી ખેતીનો વ્યાપ વધારવો અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવાનો છે.
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ સરકારના અધિકૃત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag) પર જઈને અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે, નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવવી ફરજિયાત છે. અરજી કરતા સમયે ખેડૂતોએ માંગ્યા મુજબના તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ આઉટ મેળવી પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે.
આણંદ જિલ્લાના બાગાયતી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી યોજનાકીય લાભ લેવા માટે નાયબ બાગાયત નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.