બંધ

આણંદ જિલ્લાના નાગરિકની સુરક્ષા માટે હંમેશા સતર્ક, સંવેદનશીલ અને જવાબદાર રક્ષા કવચ : નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ

પ્રકાશિત તારીખ : 23/02/2026

આણંદના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતેથી ૨૫૦ કરતાં વધુ કેમેરા દ્વારા નાગરીકોની સુરક્ષા માટે કરાતું સતત 24×7 મોનિટરિંગ

નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ગંભીર ગુનાઓ ઉકેલવામાં મદદરૂપ બન્યા : ગુમ થયેલ વ્યક્તિઓને શોધવામાં મદદરૂપ બન્યુ ‘‘નેત્રમ’’

ગત વર્ષે નેત્રમના માધ્યમથી ગુમ થયેલો ૧૬ લાખનો મુદ્દામાલ પરત મેળવીને અરજદારોને સોંપવામાં આવ્યો હતો

વધુ 550 કેમેરા આણંદ જિલ્લામાં કાર્યરત થશે જેનાથી ‘‘નેત્રમ’’ ખાતેનું લાઈવ મોનિટરિંગ વધુ સઘન બનશે

નેત્રમની કામગીરીના પરિણામે ગત વર્ષે ટ્રાફિક વાયોલેશનના ૨૯ હજારથી વધુ ચલણો જનરેટ કરી ૧.૬૦ કરોડથી વધુની રકમ રીકવર કરવામાં આવી

આણંદ, શનિવાર: આણંદ ખાતે જિલ્લા કક્ષાએ આધુનિક ટેકનોલોજીથી સજ્જ નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીની સુચના, માર્ગદર્શન અને તેમના સતત મોનિટરિંગ હેઠળ 24×7 કાર્યરત છે.

રાજ્ય સરકારના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, જાહેર વ્યવસ્થા મજબૂત બનાવવા અને પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે. આ “નેત્રમ” દ્વારા સમગ્ર જિલ્લામાં સુરક્ષાનું ‘‘અદૃશ્ય’’ પરંતુ સક્રિય રક્ષણ કવચ ઉભું કરવામાં આવ્યું છે.

નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ મારફતે સમગ્ર આણંદ જિલ્લામાં સ્થાપિત સીસીટીવી કેમેરાઓ, મુખ્ય માર્ગો,  ચાર રસ્તાઓ,  જાહેર સ્થળો, સંવેદનશીલ વિસ્તારો તેમજ જાહેર સ્થળોની ૨૪ કલાક સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ કેન્દ્રમાંથી શંકાસ્પદ પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખી કોઈ અનિચ્છનિય ઘટનાના સંદર્ભમાં તાત્કાલિક સંબંધિત પોલીસ મથકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે.

નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમની કામગીરી માત્ર ગુનાખોરી અટકાવવાને પૂરતી સીમિત નથી, પરંતુ અકસ્માત, ઇમરજન્સી પરિસ્થિતિ, ટ્રાફિક વ્યવસ્થાપન,  મહિલાઓની સુરક્ષા, વરિષ્ઠ નાગરિકોની મદદ અને જાહેર વ્યવસ્થાની જાળવણી જેવા અનેક ક્ષેત્રોમાં આ કન્ટ્રોલરૂમની ભૂમિકા મહત્વની રહી છે. કોઈપણ આપત્તિ સમયે માનવીય સંવેદનાની પ્રાથમિકતા સાથે ઝડપી પ્રતિસાદ આપી તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે છે.

સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય “ટેકનોલોજી દ્વારા સુરક્ષા” ના સિદ્ધાંતને અમલમાં મૂકી નાગરિકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત કરવાની સાથે પોલીસ-જનતા વચ્ચે વિશ્વાસ વધારવાનો છે, નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમના અધિકારી – કર્મચારીઓ સરકારના આ ઉદ્દેશ્યને સાર્થક કરવાનું મહત્વપૂર્ણ કાર્ય સફળતાપૂર્વક કરી રહ્યા છે. જેના કારણે પોલીસ કાર્યવાહી વધુ પારદર્શક, અસરકારક અને સમયબદ્ધ બનતા પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બન્યો છે.

નેત્રમ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર. એમ. ચૌહાણના જણાવ્યા પ્રમાણે, નેત્રમ ખાતે ૨૫ જેટલા પોલીસ કર્મીઓ – એન્જિનિયર દ્વારા આણંદ, કરમસદ, વિદ્યાનગર અને ખંભાત શહેરના ૨૫૦ જેટલા કેમેરાનું લાઈવ મોનિટરિંગ સતત ૨૪ કલાક કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અગત્યના બંદોબસ્ત, જુલુસ, શોભાયાત્રા અને ચૂંટણી જેવા સમયના લાઈવ મોનિટરીંગની સાથે પોલીસ કર્મચારીઓ ફરજ ઉપર હોય ત્યારે તેમની બોડી પર લગાવવામાં કેમેરાનું તેમજ ૨૦ પોલીસ સ્ટેશનો ખાતેના થાણા અધિકારીને આપવામાં આવેલ કેમેરાઓનું પણ નેત્રમ ખાતેથી જ મોનિટરિંગ થાય છે. જિલ્લામાં હાલમાં કાર્યરત ૨૫૦ કેમેરા ઉપરાંત આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં વધુ ૫૫૦ જેટલા કેમેરા પણ કાર્યરત થશે, જેનું પણ લાઈવ મોનિટરિંગ નેત્રમ ખાતેથી જ કરવામાં આવશે.

નેત્રમ ખાતે સતત મોનિટરિંગ કરવાથી ટ્રાફિક વાયોલેશનના ચલણ જનરેટ કરવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે, આ ઉપરાંત મુસાફર તેમના પ્રવાસ દરમિયાન રીક્ષામાં કોઈ કિંમતી સામાન ભૂલી જાય તો તેને રિકવર કરવામાં પણ મદદરૂપ બને છે. સાથો-સાથ ગુમ થયેલ બાળકો, વૃદ્ધો, અસ્થિર મગજના વ્યક્તિઓને શોધવામાં પણ નેત્રમ ખાતે થઈ રહેલા મોનિટરિંગનું રેકોર્ડિંગ ખૂબ જ મદદરૂપ બની રહયું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આણંદ જિલ્લા પોલીસ દ્વારા નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમથી મળતા ડેટા અને દૃશ્યોના આધારે સબંધિત વિસ્તારોમાં કામગીરી માટે તૈનાત પોલીસ કર્મચારીઓ સાથે સતત સંકલન સાધવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થાના કારણે ગુનાખોરી રોકવામાં તેમજ જાહેર વ્યવસ્થા જાળવવામાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.

આ નેત્રમની કામગીરીના પરિણામે ગત વર્ષે ટ્રાફિક વાયોલેશનના ૨૯ હજારથી વધુ ચલણો જનરેટ કરી રૂપિયા ૧.૬૦ કરોડથી વધુની રકમ રીકવર કરી સરકારશ્રીમાં જમા કરાવવામાં આવી હતી. એટલું જ નહી પરંતુ, આણંદ જિલ્લામાં મળેલી ફરિયાદના આધારે નેત્રમ ખાતે કેમેરાનું રેકોર્ડિંગ ચકાસતા લોકોના ગુમ થયેલા ૧૩ જેટલા મોબાઈલ, ૦૫ લેપટોપ, ડિજિટલ કેમેરા, બેગ અને પાકીટ મળીને કુલ રૂપિયા ૧૬ લાખનો મુદ્દામાલ પરત મેળવીને અરજદારોને સોંપવામાં આવ્યો હતો, જે નેત્રમના માધ્યમથી શક્ય બન્યું હતું. આ ઉપરાંત આણંદ જિલ્લાના અથવા તો જિલ્લા બહારના ટ્રાફિક વાયોલેશનના જનરેટ થયેલા ચલણો અને ગુજરાત તેમજ ગુજરાત બહારના સમગ્ર દેશના કોઈપણ વિસ્તારમાંથી ટ્રાફિક વાયોલેશનના જનરેટ થયેલા ચલણો આણંદ નેત્રમ ખાતેથી આણંદ જિલ્લાવાસીઓને ભરવામાં મદદ કરવામાં આવે છે, જે નેત્રમની એક વિશિષ્ટ કામગીરી છે.

આણંદ જિલ્લામાં કાર્યરત આ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતે ૨૪ કલાક કાર્યરત આ કેમેરાઓના મોનિટરિંગનું રેકોર્ડિંગ પણ લાંબા સમય સચવાયેલું રહે તે માટે નેત્રમ ખાતે જ આધુનિક સર્વર રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જેના કારણે ગંભીર ગુન્હાઓ ઉપરાંત અન્ય ગુન્હાઓના આરોપીઓને પકડવા અને ગુન્હાઓના ભેદ ઉકેલવામાં નેત્રમ પોલીસ વિભાગને મદદરૂપ બની રહયું છે.

આણંદ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે કે, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા ઇમરજન્સી સ્થિતિમાં પોલીસની સહાયની જરૂર પડે તો તુરંત પોલીસને જાણ કરે. ઉપરાંત પ્રવાસ દરમિયાન રિક્ષામાં કે કોઈપણ સ્થળે કિંમતી સામાન રહી જાય અથવા તો તેની ચોરી થાય તો તુરત જ નેત્રમ ખાતે આવીને જાણ કરવાથી પણ નાગરીકોને જરૂરી મદદ મળી રહેશે. નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ એ માત્ર એક તકનીકી વ્યવસ્થા નથી, પરંતુ દરેક નાગરીકની સુરક્ષા માટે હંમેશા સતર્ક, સંવેદનશીલ અને જવાબદાર રક્ષાકવચ છે.

આણંદ જિલ્લાના નાગરિકની સુરક્ષા માટે હંમેશા સતર્ક, સંવેદનશીલ અને જવાબદાર રક્ષા કવચ : નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ

આણંદ જિલ્લાના નાગરિકની સુરક્ષા માટે હંમેશા સતર્ક, સંવેદનશીલ અને જવાબદાર રક્ષા કવચ : નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ

આણંદ જિલ્લાના નાગરિકની સુરક્ષા માટે હંમેશા સતર્ક, સંવેદનશીલ અને જવાબદાર રક્ષા કવચ : નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ

આણંદ જિલ્લાના નાગરિકની સુરક્ષા માટે હંમેશા સતર્ક, સંવેદનશીલ અને જવાબદાર રક્ષા કવચ : નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ

આણંદ જિલ્લાના નાગરિકની સુરક્ષા માટે હંમેશા સતર્ક, સંવેદનશીલ અને જવાબદાર રક્ષા કવચ : નેત્રમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ