બંધ

આણંદ ખાતે “સેતુ” પ્રોગ્રામ હેઠળ જાતિગત સંવેદનશીલતા અને મહિલા સ્વાસ્થ્ય પર સેમિનાર યોજાયો

પ્રકાશિત તારીખ : 20/01/2026

આણંદ, મંગળવાર: આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ અને જેન્ડર રિસોર્સ સેન્ટર, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કુલપતિશ્રી ડૉ.કે.બી.કથીરીયાના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટી કેમ્પસ ખાતે “સેતુ” પ્રોગ્રામ અંતર્ગત એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જાતિગત સમાનતા, સુરક્ષિત વાતાવરણ અને મહિલાઓના સામાજિક-આર્થિક ઉત્થાન માટે જાગૃતિ લાવવાનો હતો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કુલપતિશ્રી ડૉ.કે.બી.કથીરીયાએ જણાવ્યું હતું કે આણંદ કૃષિ યુનિવર્સિટીનું શૈક્ષણિક વાતાવરણ સુરક્ષિત અને ઉમદા છે. યુનિવર્સિટીમાં અત્યાર સુધી જેન્ડર સંબંધિત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી તે આપણા સૌ માટે ગૌરવની વાત છે. તેમણે મહિલાલક્ષી યોજનાઓના સંશોધન અને જેન્ડર બજેટિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ગાંધીનગરના જેન્ડર રિસોર્સ ઓફિસરશ્રી મહેન્દ્ર મકવાણાએ જાતિગત સંવેદનશીલતા અને PoSH અધિનિયમ-૨૦૧૩ (કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી નિવારણ કાયદો) વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ૧૦ કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થાઓમાં ICC (આંતરિક ફરિયાદ સમિતિ) ની રચના અનિવાર્ય છે અને માત્ર કાયદો જ નહીં, પણ સહકાર્યકરો સાથેનું ગરિમાપૂર્ણ વર્તન એ જ સુરક્ષિત કાર્યસ્થળની ઓળખ છે.

પ્રમુખસ્વામી મેડીકલ કોલેજ, કરમસદના ડૉ.ભાલેન્દુ વૈષ્ણવે સ્ત્રીઓના પોષણમાં પ્રવર્તતી અસમાનતા વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે ચક્રવૃદ્ધિ કુપોષણ, સામાજિક તફાવત, નવીન જોખમો, સ્વાસ્થ્યના ૪ સ્તંભો વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. તેમજ તેમણે સ્વાસ્થ્ય સુધારવા માટે ઓર્ગેનિક અને પોષણક્ષમ ખોરાક, સક્રિય જીવનશૈલી અને વ્યાયામ, યોગ્ય દિનચર્યા અને હકારાત્મક અને તણાવમુક્ત માનસિકતા ઉપર ભાર મૂક્યો હતો.

સેમીનારમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ-કર્મચારીઓને પ્રોત્સાહનરૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ સંશોધન નિયામક અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષશ્રી ડૉ.એમ.કે.ઝાલા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.જે.કે.પટેલ, નિયામકશ્રી ડૉ.ડી.એચ.પટેલ તેમજ સેતુ પ્રોગ્રામ નોડલ ઓફિસર ડૉ.જાગૃતિ શ્રોફ તથા યુનિવર્સિટીના અન્ય અધીકારી-કર્મચારીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ ખાતે