આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ”MY Bharat” જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
પ્રકાશિત તારીખ : 09/07/2026
આણંદ, બુધવાર , આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને “મેરા યુવા ભારત” (MY Bharat) જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ૨૫ થી ૨૯ વર્ષની વયના વધુમાં વધુ યુવાનોને ‘MY Bharat’ પોર્ટલ પર નોંધણી કરાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ આ અભિયાનને વેગવંતું બનાવવા માટે જિલ્લાની સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનોને આ પોર્ટલ સાથે જોડીને મહત્તમ યુવાનોની નોંધણી કરાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત, રાજ્ય સ્તરે સૌથી વધુ નોંધણી કરનાર ટોચના ત્રણ જિલ્લાઓને આગામી ૧૫મી ઓગસ્ટના રોજ સન્માનિત કરવામાં આવશે જેથી આણંદ જિલ્લો આ લક્ષ્યાંક સમયસર પૂર્ણ કરે તે માટે તમામ વિભાગો અને સંસ્થાઓએ સંકલિત પ્રયાસો કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ પોર્ટલ પર નોંધાયેલા યુવાનો આગામી સમયમાં વિવિધ સેમિનાર, વર્કશોપ અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે.
આ બેઠકમાં જિલ્લાના યુવાનોને પોલીસ સ્ટેશન, કલેક્ટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લેવડાવવામાં આવે, જેથી તેઓ શાસન અને વહીવટી તંત્રની કામગીરીને નજીકથી અને પ્રત્યક્ષ રીતે સમજી શકે અને આ પોર્ટલના માધ્યમથી યુવાનોને તેમની પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી અને તાલીમ અંગેનું સચોટ માર્ગદર્શન અને સહયોગ મળી રહેશે તેમ જણાવાયું હતું.
આ બેઠકમાં જિલ્લાની તમામ કોલેજો અને યુનિવર્સિટી કેમ્પસમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો અને ખાસ નોંધણી ઝુંબેશ યોજીને યુવા શક્તિને આ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ બેઠકનો મુખ્ય હેતુ યુવાનોના સર્વાંગી વિકાસ માટે આ પોર્ટલના માધ્યમથી વિવિધ ક્ષેત્રોમાં જરૂરી માર્ગદર્શન, તાલીમ અને ઉત્કૃષ્ટ તકો ઉપલબ્ધ કરાવવાનો છે. બેઠકના પ્રારંભમાં ‘MY Bharat’ જિલ્લા સલાહકાર સમિતિની ભૂમિકા અને તેના ઉદ્દેશ્યો વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, નિવાસી અધિક કલેકટર શ્રી લલીતકુમાર પટેલ, અધિક કલેકટરશ્રી ગમારા અને મેરા યુવા ભારત-આણંદના જિલ્લા યુવા અધિકારીશ્રી સહિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU), ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી (CVM University) તેમજ આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (AAU) સહિત જિલ્લાની વિવિધ નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ”MY Bharat” જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ”MY Bharat” જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ”MY Bharat” જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ