આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ
પ્રકાશિત તારીખ : 06/03/2025
ભાવનગર જિલ્લાના ૬૫ જેટલા ખેડૂત ભાઇઓ – બહેનો એ ભાગ લીધો
આણંદ, બુધવાર: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજયુકેશન (આઇડિયા), આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા અનિકેત ખેડૂત નિવાસ, આણંદ ખાતે ભાવનગર જીલ્લાના ભાવનગર, ગારીયાધાર અને જેસર તાલુકાઓના ૬૫ ખેડૂત ભાઇઓ અને બહેનો માટે બે દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજવામાં આવી હતી.
બે દિવસીય તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને આઇડીયાના મદદનીશ પ્રાધ્યાપક ર્ડા. જી. એન. થોરાત દ્વારા પ્રાકૃતિક કૃષિની તકો અને પડકારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત ખેડૂતલક્ષી પ્રાકૃતિક કૃષિની સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપી યોજનાઓનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ તાલીમ દરમિયાન પ્રાકૃતિક કૃષિના મુખ્ય આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, મિશ્ર પાક પદ્ધતિ પર સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત દેશી ગાયનું અને તેની આડપેદાશોનું પ્રાકૃતિક કૃષિમાં મહત્વ અંગેની સવિસ્તાર માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મજીવાણુઓની અગત્યતા સમજાવવામાં આવી તેમજ બાયો ફર્ટીલાઈઝર વિભાગની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી.
આ તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રત્યક્ષ જ્ઞાન મળી રહે તે માટે એગ્રોનોમી વિભાગ, બીએસીએ આણંદ ખાતે કાર્યરત પ્રાકૃતિક કૃષિના વિવિધ આયોમા પર વિગતવાર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
