આણંદ એ.આર.ટી.ઓ. દ્વારા વિવિધ શ્રેણીના પસંદગીના નંબરો માટે ઓનલાઇન ઈ-હરાજીની જાહેરાત
પ્રકાશિત તારીખ : 19/08/2026
વાહન માલિકો માટે આકર્ષક નંબર મેળવવાની સુવર્ણ તક: ૨૦ ઓગસ્ટથી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો થશે પ્રારંભ
આણંદમાં મોટર સાયકલ અને એલ.એમ.વી. સહિતના વાહનોની નવી સીરીઝ માટે ઈ-ઓક્શનનું આયોજન
આણંદ, મંગળવાર, આણંદ જિલ્લાની મોટરિંગ પબ્લિકની સગવડતા માટે એ.આર.ટી.ઓ. કચેરી આણંદ દ્વારા વિવિધ વાહન શ્રેણીઓના પસંદગીના નંબરો માટે ઓનલાઇન ઈ-હરાજી (Re-auction) શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા હેઠળ ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, ગુડ પ્રકારના વાહનો માટે નવી સીરીઝ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વાહન માલિકો તેમના મનપસંદ નંબર મેળવવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઇન પોર્ટલ પર નોંધણી કરાવીને આ હરાજી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
આ ઈ-હરાજીમાં નોન-ટ્રાન્સપોર્ટ મોટર સાયકલ માટે જીજે-૨૩-ઈએ, ઈબી, ઈસી, ઈડી, ઈઈ, ઈએફ, ઈજી, ઈએચ, ઈજે, ઈકે, ઈએલ અને ઈએમ સીરીઝનો સમાવેશ થાય છે. તેવી જ રીતે નોન-ટ્રાન્સપોર્ટ એલ.એમ.વી. શ્રેણી માટે જીજે-૨૩-સીએ, સીબી, સીસી, સીડી, સીઈ, સીએફ, સીજી, સીએચ, સીજે અને સીકે સીરીઝ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત થ્રી-વ્હીલર પેસેન્જર તેમજ ગુડ્સ પ્રકારના વાહનો માટે જીજે-૨૩-એયુ, એવાય, એએક્સ અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે જીજે-૨૩-એડબલ્યુ, એટી, એવાય સીરીઝ ઉપલબ્ધ રહેશે. કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ પ્રકારના વાહનો માટે જીજે-૨૩-બીસી સીરીઝમાં પસંદગીના નંબર મેળવી શકાશે.
પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ સૌ પ્રથમ પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે. ઓક્શન માટે રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન કરવાની પ્રક્રિયા તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે શરૂ થશે જે તારીખ ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦ કલાક સુધી ચાલશે. ત્યારબાદ હરાજી માટેનું ઓનલાઇન બિડિંગ તારીખ ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦ કલાકથી શરૂ થઈને તારીખ ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦ કલાકે પૂર્ણ થશે. તમામ રસ ધરાવતા અરજદારોએ નિર્ધારિત સમયગાળા દરમિયાન જ ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આ હરાજીમાં ભાગ લેવા માટે વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારો આ હરાજીમાં ભાગ લેવા માટે પાત્ર ઠરશે અને સમયમર્યાદા બહારની અરજીઓ કચેરી દ્વારા રદ કરવામાં આવશે. વધુમાં જે અરજદારોએ વાહન ખરીદીના સમયથી સાત દિવસની અંદર સીએનએ (CNA) ફોર્મ ભરેલ હશે, તેવા જ અરજદારો આ ઓનલાઇન હરાજી પ્રક્રિયામાં ભાગ લેવા માટે લાયક ગણાશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.