આજે ગુરુપૂર્ણિમાના દિવસે વિશેષ લેખ
પ્રકાશિત તારીખ : 29/07/2026
ગુરુ પૂર્ણિમા- ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન, સંસ્કાર અને માર્ગદર્શનની પરંપરાનો પવિત્ર ઉત્સવ
જીવનને સાચી દિશા આપનારા ગુરુજનો, શિક્ષકો અને માર્ગદર્શકો પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો પાવન અવસર
ભારતીય સંસ્કૃતિમાં અષાઢ મહિનાની પૂર્ણિમા ‘ગુરુ પૂર્ણિમા’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર ધાર્મિક આસ્થાનો જ નહીં, પરંતુ જ્ઞાન, સંસ્કાર અને ગુરુ-શિષ્ય પરંપરાના ગૌરવને વંદન કરવાનો પવિત્ર અવસર છે. જીવનમાં સાચો માર્ગ બતાવનારા ગુરુજનો, શિક્ષકો, માતા-પિતા અને તમામ માર્ગદર્શકો પ્રત્યે આદર અને આભાર વ્યક્ત કરવાનો આ વિશેષ દિવસ છે.
ગુરુ પૂર્ણિમા મહર્ષિ વેદ વ્યાસજીની જન્મજયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. મહાભારત જેવા વિશ્વવિખ્યાત મહાકાવ્યના રચયિતા અને વેદોના સંકલનકર્તા મહર્ષિ વેદ વ્યાસજીને ભારતીય પરંપરામાં આદિગુરુ તરીકે સન્માન આપવામાં આવ્યું છે. તેમના આ અમૂલ્ય યોગદાનને સ્મરણ કરવા આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
‘ગુરુ’ શબ્દનો અર્થ પણ અત્યંત ઊંડો છે. સંસ્કૃતમાં ‘ગુ’ નો અર્થ અંધકાર અને ‘રુ’ નો અર્થ પ્રકાશ થાય છે. એટલે કે જે વ્યક્તિ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે, તે જ સાચા અર્થમાં ગુરુ છે. માનવજીવનના પ્રથમ ગુરુ માતા-પિતા હોય છે, જે બાળકને જીવનના પ્રારંભિક સંસ્કાર, વ્યવહાર અને મૂલ્યો શીખવે છે. ત્યારબાદ શાળા-કોલેજના શિક્ષકો માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ સારા-નરસાનો ભેદ, શિસ્ત, જવાબદારી અને જીવન જીવવાની યોગ્ય દિશા પણ પ્રદાન કરે છે.
ભારતની પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરાએ દેશના સાંસ્કૃતિક અને બૌદ્ધિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આશ્રમ વ્યવસ્થાથી શરૂ થયેલી આ પરંપરા આજે આધુનિક શિક્ષણ વ્યવસ્થા સુધી સતત આગળ વધી રહી છે. ગુરુઓએ માત્ર વિદ્યા જ આપી નથી, પરંતુ ચારિત્ર્ય નિર્માણ, નૈતિક મૂલ્યો, કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણોનું પણ સિંચન કર્યું છે. એક સશક્ત સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકો અને માર્ગદર્શકોની ભૂમિકા હંમેશાં કેન્દ્રસ્થાને રહી છે.
આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને મોબાઇલના માધ્યમથી કોઈપણ માહિતી ક્ષણોમાં પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ માહિતી અને જ્ઞાન વચ્ચેનો તફાવત સમજાવવાનું કાર્ય ગુરુ જ કરી શકે છે. યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, જીવનમાં વિવેક જાળવવાની સમજ, માનવીય મૂલ્યો અને સંસ્કારોનું શિક્ષણ કોઈ ટેક્નોલોજી આપી શકતી નથી. આ જીવનમૂલ્યોનો વારસો માત્ર ગુરુ, શિક્ષકો અને વડીલોના માર્ગદર્શનથી જ પ્રાપ્ત થાય છે.
આજના સમયમાં શિક્ષકોની જવાબદારી માત્ર અભ્યાસક્રમ પૂરતી મર્યાદિત નથી રહી. તેઓ વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, ઈમાનદારી, સામાજિક જવાબદારી, સંવેદનશીલતા અને ઉત્તમ નાગરિક બનવાના ગુણોનું ઘડતર પણ કરે છે. દેશ આજે વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે, તેની પાછળ લાખો શિક્ષકો, ગુરુજનો અને માર્ગદર્શકોની નિઃસ્વાર્થ સેવા અને વર્ષોની મહેનત રહેલી છે.
ગુરુ પૂર્ણિમાનો આ પવિત્ર પર્વ આપણને યાદ અપાવે છે કે જીવનમાં મળેલા દરેક ગુરુનું સન્માન કરવું, તેમના પ્રત્યે આભાર વ્યકત કરવો અને તેમણે બતાવેલા સત્ય, પ્રામાણિકતા, કર્તવ્ય અને સેવાના માર્ગ પર આગળ વધવું એ જ તેમના પ્રત્યેની સાચી ગુરુદક્ષિણા છે. ગુરુ પ્રત્યેનો આદર માત્ર એક દિવસ પૂરતો મર્યાદિત ન રહે, પરંતુ જીવનના દરેક ક્ષણે તેમના ઉપદેશોને આચરણમાં ઉતારવાનો સંકલ્પ જ ગુરુ પૂર્ણિમાની સાચી ઉજવણી છે.