અમીન ઓટો પાસેના ગેરકાયદેસર દબાણો દૂર થતાં આણંદ મોગરી કાંસની સફાઈ લોંગ રીચ મશીન દ્વારા શરૂ કરાઈ
પ્રકાશિત તારીખ : 06/03/2025
ગેરકાયદેસર દબાણો દૂર કરી અંદાજિત ૬૩૦૫ હજાર ચોરસ મીટર રૂપિયા ૧૨.૫૦ કરોડથી વધુની મૂલ્યવાન જમીન ગત દિવસોમાં ખુલ્લી કરવામા આવી હતી
આણંદ, બુધવાર: આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રીની સૂચનાનુસાર જમીન મહેસુલ અધિનિયમમાં દર્શાવેલ પ્રક્રિયા પૂર્ણ કરી મામલતદારશ્રી સીટી અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા આણંદ સ્થિત અમીન ઓટો સામેના વિસ્તારમાં આવેલા ૮૮ જેટલા કાચા – પાકા મકાનોના ગેરકાયદેસર દબાણો દૂર કરી અંદાજિત રૂપિયા ૧૨.૫૦ કરોડથી વધુની મૂલ્યવાન ૬૩૦૫ હજાર ચોરસ મીટર જમીન ગત દિવસોમાં ખુલ્લી કરવામાં આવી હતી.
આણંદ સ્થિત અમીન ઓટો સામેના વિસ્તારમાં થયેલા ગેરકાયદેસરના દબાણોના કારણે અત્યાર સુધી તેની પાસે આવેલા આણંદ મોગરી કાંસની યોગ્ય રીતે સાફ સફાઈ થઈ શકતી ન હતી, જેના કારણે ચોમાસામાં યોગ્ય સફાઈના અભાવે શહેરીજનોને અનેક તકલીફોનો સામનો કરવો પડતો હતો.
આણંદવાસીઓની આ સમસ્યાને ધ્યાને લઈ અમીન ઓટો પાસેની ગેરકાયદેસર જમીન ખુલ્લી થતાં તુરંત જ આણંદ જિલ્લા કલેકટરશ્રીની સૂચનાનુસાર સિંચાઈ વિભાગ દ્વારા ડોઝર મશીન લાવી અને લોંગ રીચ મશીન દ્વારા કાંસની સફાઈ શરૂ કરવામાં આવી છે. પહેલા આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હોવાથી લોંગ રીચ મશીન કાસમાં જઈ શકતું ન હતું. તેના કારણે આ કાંસની યોગ્ય સફાઈ થઈ શકતી નહતી.
આ લોંગ રીચ મશીનથી કાંસની સફાઈ થવાને કારણે એક અઠવાડિયા દરમિયાન ૫૦૦ મીટર જેટલા કાંસ વિસ્તારની સંપૂર્ણ સફાઈ થશે. હાલમાં કાંસની સફાઈ માટે ડોઝર મશીનથી કાંસમાં રસ્તો બનાવીને લોંગ રીચ મશીનથી કાસની સફાઈ થઈ રહી છે.
કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ આણંદ મોગરી કાંસની સફાઈ લોંગ રીચ મશીન દ્વારા કરવાથી સફાઈ કામગીરી એકદમ વ્યવસ્થિત થઈ શકશે.