બંધ

વિકાસ સપ્તાહ-૨૦૨૫ ::

પ્રકાશિત તારીખ : 13/10/2025

મને નોકરી અપાવવામાં રોજગાર ભરતી મેળો બન્યો માધ્યમ – દ્રષ્ટિ પટેલ

આણંદ, શુક્રવાર: રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસના ફળો સીધેસીધા પહોંચાડવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લામાં પણ આ મહત્વાકાંક્ષી કાર્યક્રમના સુચારૂ આયોજન સાથે સુદ્રઢ અમલીકરણ કરવામાં આવી રહયું છે.

આ કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં આણંદ ટાઉનહોલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજવામાં આવતા રોજગાર ભરતી મેળા થકી નોકરી પ્રાપ્ત કરનારા યુવક અને યુવતીઓને રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા યોજાતા ભરતી મેળાના માધ્યમથી લાયક ઉમેદવારોને રોજગારી મળી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્કિલ ઇન્ડિયા’ ના મંત્રને ચરિતાર્થ કરતા રોજગાર ભરતી મેળા થકી આણંદ જિલ્લાના સ્કિલ્ડ યુવાઓ, યુવતીઓને રોજગારી મળી છે.

આ કાર્યક્રમમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે યુવા રોજગાર પત્ર મેળવ્યા બાદ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના જંત્રાલ ગામના બી.સી.એ. નો અભ્યાસ પૂર્ણ કરનાર શ્રી દ્રષ્ટિ પ્રજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું નોકરીની શોધમાં હતી. મેં જિલ્લા રોજગાર કચેરી ખાતે બેરોજગાર તરીકેની નામ નોંધણી કરાવી હતી, તેવામાં જ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળા અંગેની જાણ થઈ. મેં આ રોજગાર ભરતી મેળામાં ભાગ લીધો હતો અને મને આણંદ પાસેના બેડવા ગામ ખાતે આવેલી ઉર્જા સ્ત્રોત પ્રાઇવેટ લિમિટેડ ખાતે ક્લસ્ટર હેડ તરીકેની જોબ ઓફર કરવામાં આવી હતી, મને પગાર રૂપિયા ૧૫ હજાર મળશે તેમ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું. આમ મારે નોકરીની જરૂરિયાત હતી અને મને અનુકૂળ હોય તેવી જોબ રોજગાર ભરતી મેળાના માધ્યમથી મળતા હું મારા ઘરમાં આર્થિક રીતે મદદ કરી શકીશ અને હું હવે પગભર બની છું તે બાબતે અત્યંત આનંદની લાગણી અનુભવું છું. મારા જેવા અનેક યુવાન, યુવતીઓ કે જેઓ નોકરીની શોધમાં હોય છે તેમના માટે રોજગાર ભરતી મેળા આશીર્વાદરૂપ બને છે તેમ વધુમાં તેણીએ જણાવ્યું હતું.