પ્રેસ સેવા પોર્ટલ
પ્રકાશિત તારીખ : 10/12/2025
આધુનિક ઉપકરણોથી અખબારોના પ્રકાશકોનું સશક્તિકરણ
અખબારોનું ઓનલાઇન રજિસ્ટ્રેશન, નવીકરણ, નામ ફેરબદલ, માલિકીના હસ્તાંતરણ : આધુનિક મીડિયા લેન્ડસ્કેપ માટે ટ્રાન્સફોર્મેટિવ પોર્ટલ
આણંદ, બુધવાર: દેશના તમામ તમામ અખબારો અને સામયિકોની નોંધણી પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન બનાવવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ‘પ્રેસ સેવા પોર્ટલ’ શરૂ કરવામાં આવ્યું છે.
આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય અખબારો અને સામયિકોની નોંધણી અને સંબંધિત પ્રક્રિયાઓને સરળ, પારદર્શક અને ડિજિટલ બનાવવાનો છે.
કેન્દ્ર સરકારના ‘પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પીરિયડિકલ્સ એક્ટ, ૨૦૨૩’ અંતર્ગત વિકસાવવામાં આવેલું આ પોર્ટલ, પત્રકારત્વના ક્ષેત્રમાં ‘વ્યવસાય કરવામાં સરળતા’ ના લક્ષ્યને પ્રોત્સાહન આપશે. હવેથી, આખી નોંધણી પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ બની રહેશે. અગાઉની જટિલ પ્રક્રિયાઓને બદલે હવે પ્રકાશકો સીધા ઓનલાઇન અરજી કરી શકે છે.
પ્રેસ સેવા પોર્ટલ પર નવા સમાચારપત્ર કે સામયિકના ટાઈટલની નોંધણી, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવું, રજિસ્ટ્રેશનની વિગતોમાં સુધારો (જેમ કે ભાષા, આવૃત્તિ, પ્રકાશક બદલવા વગેરે), વાર્ષિક સ્ટેટમેન્ટ ફાઈલ કરવું – જેવી મુખ્ય સેવાઓ મેળવી શકાય છે. તદુપરાંત આ પોર્ટલ પર વિવિધ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે, (૧) પ્રકાશકો ટાઈટલ (શીર્ષક) રજિસ્ટ્રેશન માટે આધાર-આધારિત ઈ-સહી નો ઉપયોગ કરીને ઓનલાઇન અરજી કરી શકે છે.
(૨) પ્રોબેબિલિટી મીટર ટૂલ દ્વારા પ્રકાશકો જાણી શકે છે કે તેઓ જે શીર્ષક ઈચ્છે છે તે ઉપલબ્ધ હોવાની શક્યતા કેટલી છે.
(૩) રીયલ-ટાઇમ ટ્રેકિંગ: અરજદારો તેમની અરજીનું સ્ટેટસ ડેશબોર્ડ પર લાઈવ જોઈ શકે છે.
(૪) ડિજિટલ પેમેન્ટ અને સર્ટિફિકેટ: રજિસ્ટ્રેશન ફી ભરવા માટે ડાયરેક્ટ પેમેન્ટ ગેટવે અને રજિસ્ટ્રેશન પછી QR કોડવાળા ડિજિટલ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની સુવિધા મળે છે.
આ પોર્ટલ, જે ભારતના પ્રેસ રજિસ્ટ્રાર જનરલ (PRGI – અગાઉ RNI) દ્વારા સંચાલિત એક સુવિધા છે, તે સમાચારપત્રો અને સામયિકોના માલિકો, પ્રકાશકો અને પ્રિન્ટિંગ પ્રેસના માલિકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
તમામ સંબંધિત હિતધારકોને અનુરોધ છે કે, મીડિયા ક્ષેત્રે પારદર્શિતા અને ઝડપ લાવવા માટે બનાવવામાં આવેલા આ પોર્ટલનો ત્વરિત ધોરણે ઉપયોગ શરૂ કરે અને નોંધણીની તમામ પ્રક્રિયાઓ ડિજિટલ માધ્યમથી પૂર્ણ કરે.